
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : રણુજા રામદેવપીરના દર્શન માટે પગપાળા જતા યાત્રિકોની સેવા માટે ઊંઝા-મક્કુપુર હાઈવે પર છેલ્લા 17 વર્ષથી શ્રી રામદેવ સેવા કેમ્પ કાર્યરત છે. સીએનજી પેટ્રોલપંપની સામે ચાલી રહેલા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ તેમજ વાહનચાલકો માટે 24 કલાક ભોજન, ચા, પાણી અને વિશ્રામ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
શ્રી ઊંઝા તાલુકા સંચાલિત આ કેમ્પની સ્થાપના 8 ઓગસ્ટ 2010ના રોજ કરવામાં આવી હતી. દાતાઓના સહયોગથી સતત કાર્યરત આ કેમ્પમાં રણુજા જતા પદયાત્રીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. પદયાત્રીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો તેનો લાભ લઈ રહ્યા છે.
કેમ્પના સંચાલક ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કેમ્પમાં પદયાત્રીઓ તેમજ વાહનચાલકો બંને માટે 24 કલાક સેવા ઉપલબ્ધ છે. ચા, પાણી, ભોજન પ્રસાદ અને વિશ્રામની સુવિધા સાથે યાત્રિકોની જરૂરિયાત મુજબ સેવા પૂરી પાડવામાં આવે છે.
આ સેવાકાર્યમાં સમગ્ર ઊંઝા તાલુકાના રબારી સમાજના મિત્રોનો સારો સહયોગ મળી રહ્યો છે. દાતાઓ અને સેવાભાવી લોકોના સહકારથી છેલ્લા 17 વર્ષથી આ સેવા અવિરત ચાલી રહી છે. રણુજા જતા યાત્રિકો માટે આ સેવા કેમ્પ માર્ગમાં રાહત અને સહયોગનું મહત્વનું કેન્દ્ર બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR