
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા ટીમ દ્વારા મહેસાણામાં બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે ફુવારા નજીક મહાઆક્રોશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન AAPના કાર્યકરો અને આગેવાનોએ લઠ્ઠાકાંડ તેમજ રાજ્યમાં ચાલતા દારૂના કાળા ધંધા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કાર્યકરોએ દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી અને વેચાણ થતું હોવાના આક્ષેપો સાથે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ ફરી ન બને તે માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
AAP મહેસાણા જિલ્લા ટીમે સવાલ ઉઠાવ્યો હતો કે, “લઠ્ઠાકાંડથી લઈને દારૂના કાળા ધંધા સુધી—સવાલ એક જ છે: આ બધું કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે?” આ મુદ્દે સરકાર અને તંત્રએ જવાબદારી નક્કી કરી પારદર્શક રીતે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
મહાઆક્રોશ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર કરી દારૂના ગેરકાયદે વેપાર સામે કડક પગલાં ભરવાની માગ કરી હતી. સાથે જ લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે અને આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકે તે માટે સરકાર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR