
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણાની સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે ગઈકાલે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને વાહનચાલન દરમિયાન જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને લાયસન્સ વિના વાહન ન ચલાવવા તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા અને ઓવર સ્પીડિંગ ટાળવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. યુવાનો વાહન ચલાવતી વખતે ઝડપ અને બેદરકારીથી દૂર રહે અને પોતાની સાથે અન્ય લોકોની સલામતીનું પણ ધ્યાન રાખે તે માટે અપીલ કરવામાં આવી હતી.
આ સાથે વિદ્યાર્થીઓને રાહવીર યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ મળે અને લોકો માનવતાના ધોરણે અકસ્માતગ્રસ્તોની મદદ માટે આગળ આવે તે અંગે યોજનાની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી અંગે અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR