શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરતા 3 ઝડપાયા, એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો કમાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમો સામે મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરી છે. મલેકપુર ગામેથી પોલીસે 3 ઇસમો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બ
શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરતા 3 ઝડપાયા, એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો કમાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમો સામે મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરી છે. મલેકપુર ગામેથી પોલીસે 3 ઇસમો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઇલ નંબરો લખેલા રેન્ડમ, શેરબજારના સ્ક્રીનશોટની નકલો તથા 8 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.62,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મહેસાણા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી એલસીબી દ્વારા શેરબજારના નામે છેતરપિંડી કરતા ઇસમો પર નજર રાખવામાં આવી રહી હતી.

20 ઓગસ્ટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાને બાતમી મળી હતી કે, મલેકપુર ગામના સુથારીયાવાળા આંટામાં એક છાપરામાં કેટલાક ઇસમો ભેગા થઈ શેરબજારના નામે લોકોને ફોન કરી રહ્યા છે. બાતમીના આધારે PSI એસ.વી. પઢારિયાની ટીમે દરોડો પાડ્યો હતો.

તપાસમાં આરોપીઓ મોબાઇલમાં Angel One અને Market Pulse જેવી એપ્લિકેશન મારફતે શેરબજારના ભાવની વધઘટ જોઈ લોકોને ફોન કરતા હોવાનું સામે આવ્યું હતું. તેઓ ગ્રીન સ્ટોક એડવાઈઝરી અને શ્યામ સ્ટોક એડવાઈઝરીના નામે ખોટી ઓળખ આપી વધુ કમાણી કરાવવાની લાલચ આપતા હતા.

પોલીસે ઠાકોર કનુજી ભુપેન્દ્રજી, ઠાકોર અર્જુનજી ભલાજી અને ઠાકોર અંકિત પ્રવિણજી સહિત 3 આરોપીઓ તથા એક બાળ કિશોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande