વિજાપુર-વિસનગર ફોરલેન કામગીરીમાં સુરક્ષા મુદ્દે સવાલ, વૃક્ષ છેદનથી વાહનચાલકો પર અકસ્માતનો ખતરો
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : વિજાપુરથી વિસનગરને જોડતા આશરે 30 કિલોમીટરના હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે રોડની બંને બાજુ આવેલા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, વૃક્ષ છેદનની કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષા
વિજાપુર-વિસનગર ફોરલેન કામગીરીમાં સુરક્ષા મુદ્દે સવાલ, વૃક્ષ છેદનથી વાહનચાલકો પર અકસ્માતનો ખતરો


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : વિજાપુરથી વિસનગરને જોડતા આશરે 30 કિલોમીટરના હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે રોડની બંને બાજુ આવેલા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, વૃક્ષ છેદનની કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વૃક્ષ કાપવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા પૂરતું બેરિકેડિંગ, ટ્રાફિક નિયંત્રણ અને વાહનચાલકોને ચેતવણી આપતા જરૂરી સંકેતોની વ્યવસ્થા કરવામાં આવી નથી. સુરક્ષાના પૂરતા આયોજન વિના વૃક્ષો કાપવામાં આવતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું છે.

વૃક્ષ કાપવાની કામગીરી દરમિયાન કેટલાક સમયે અચાનક વાહન વ્યવહાર રોકી દેવામાં આવે છે. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને વાહનચાલકોને ટ્રાફિકમાં અટવાઈ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વાહનચાલકોનું કહેવું છે કે ફોરલેનની કામગીરી જરૂરી છે, પરંતુ કામ દરમિયાન માર્ગ સુરક્ષાના નિયમોનું પણ પાલન થવું જોઈએ. વૃક્ષ છેદન પહેલાં અને કામગીરી દરમિયાન પૂરતું બેરિકેડિંગ, ટ્રાફિક કર્મચારીઓની વ્યવસ્થા તથા દૂરથી દેખાય તેવા ચેતવણી સંકેતો મૂકવામાં આવે તો અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.

આ કામગીરીમાં વાહનચાલકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા બને અને ટ્રાફિક વ્યવસ્થા માટે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande