અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી: ભારત સ્પેસ ટેકનોલોજીમાં વૈશ્વિક નેતૃત્વ તરફ અગ્રેસર
અમદાવાદ, 23 ઓગસ્ટ (હિ.સ.) : ભારત સરકારના અંતરિક્ષ વિભાગ અંતર્ગત કાર્યરત ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) દ્વારા ‘ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ, 23 ઓગસ્ટ (હિ.સ.) : ભારત સરકારના અંતરિક્ષ વિભાગ અંતર્ગત કાર્યરત ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) દ્વારા ‘ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ટુવર્ડ્સ વિકસિત ભારત: ઈનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ એસ્પાયરિંગ ટુ ગ્લોબલ સ્પેસ લીડરશિપ”ની થીમ આધારિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, તથા અંતરિક્ષ વિભાગના સચિવ અને ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભારતની સ્પેસ યાત્રા મર્યાદિત સાધનો અને સંસાધનો વચ્ચે શરૂ થઈ હતી, પરંતુ આપણા વૈજ્ઞાનિકો અને સ્વ. ડૉ. વિક્રમ સારાભાઈનો સંકલ્પ અડગ હતો. ડૉ. સારાભાઈનું વિઝન માત્ર અંતરિક્ષમાં સિદ્ધિઓ હાંસલ કરવાનું નહોતું, પરંતુ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કરવાનો હતો.

તેમણે જણાવ્યું કે, આજે સેટેલાઇટ ટેકનોલોજી કૃષિ, હવામાનની આગાહી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, માછીમારો માટે સંભવિત ફિશિંગ ઝોનની માહિતી, કનેક્ટિવિટી, શિક્ષણ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સ્પેસ ટેકનોલોજી હવે માત્ર સંશોધન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ લોકકેન્દ્રિત ગવર્નન્સ અને વિકાસ માટેનું મહત્વપૂર્ણ સાધન બની છે.

ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક પરંપરાનો ઉલ્લેખ કરતાં શેખાવતે જણાવ્યું કે, આર્યભટ્ટ, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય જેવા મહાન ભારતીય વિજ્ઞાનીઓએ ખગોળવિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રે વૈશ્વિક જ્ઞાન પરંપરાને સમૃદ્ધ બનાવી હતી. તેમણે જણાવ્યું કે, જિજ્ઞાસા જ જ્ઞાન, સંશોધન અને ઇનોવેશનની શરૂઆત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને OCR જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ભારતની પ્રાચીન હસ્તપ્રતોને ડિજિટાઇઝ અને વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માધ્યમથી ભારતની જ્ઞાન પરંપરા સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.

ટેકનોલોજીના ભવિષ્ય અંગે તેમણે જણાવ્યું કે, સ્પેસ ટેકનોલોજી, AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ, હ્યુમનોઇડ્સ અને સેમિકન્ડક્ટર્સ જેવી ટેકનોલોજીનું કન્વર્જન્સ આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર, માનવજીવન અને જીઓ-પોલિટિક્સની દિશા નક્કી કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇનોવેશન, કોલેબોરેશન અને ગ્લોબલ લીડરશિપ ભારતની ત્રણ મહત્વપૂર્ણ આકાંક્ષાઓ છે અને આ ત્રણેયના કેન્દ્રમાં દેશની યુવા શક્તિ છે.

રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહીને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમદાવાદ, ગુજરાત અને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ વચ્ચે ઐતિહાસિક અને ગાઢ સંબંધ રહ્યો છે. સ્વ. ડૉ. વિક્રમ સારાભાઈના વિઝનથી અમદાવાદ ભારતીય સ્પેસ પ્રોગ્રામના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમદાવાદમાં IN-SPACeનું મુખ્ય મથક સ્થાપિત થવાથી ગુજરાતની સ્પેસ ઇકોસિસ્ટમને નવી ગતિ અને નવી તકો મળી છે.

તેમણે જણાવ્યું કે, સ્પેસ સેક્ટરમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે આજે ખાનગી ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધકો અને યુવા સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ઊભી થઈ છે. ગુજરાતમાં પણ અનેક સ્પેસ સ્ટાર્ટ-અપ્સ નવીન ટેકનોલોજી અને ઉકેલો વિકસાવી રહ્યા છે. ગુજરાત સ્પેસ પાર્કમાં સ્મોલ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે અને દેશ-વિદેશના સ્પેસ ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણ તથા ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા માટે તેમણે આમંત્રણ આપ્યું હતું.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને સુપર કમ્પ્યુટિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર હિસ્સો ગુજરાતમાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષોમાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરવા માટે સજ્જ છે.

નેશનલ સ્પેસ ડેની ઊજવણી માટે અમદાવાદની ખાસ પસંદગીના વિશેષ મહત્વ પર ભાર મૂકતા સ્પેસ ડિપાર્ટમેન્ટના સચિવ અને ISROના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે, સ્વ. ડૉ. વિક્રમ સારાભાઈએ, અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) તથા સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC)ના વિકાસ માટે પાયો નાખ્યો હતો. તેમણે જણાવ્યું કે સેટેલાઇટ અને રોકેટ માટે જરૂરી પેલોડ ડેવલપમેન્ટમાં અમદાવાદનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ભારતની સ્પેસ યાત્રાની શરૂઆતના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, મર્યાદિત સંસાધનો વચ્ચે શરૂ થયેલી ભારતની અંતરિક્ષ સફર આજે વિશ્વના અગ્રણી સ્પેસ કાર્યક્રમોમાં સ્થાન પામી છે. સાયન્સ, સેટેલાઇટ અને લોન્ચ વ્હીકલ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આજે વિશ્વના અનેક દેશો તથા કંપનીઓ ભારતની લોન્ચ ક્ષમતા અને ટેકનોલોજી પર વિશ્વાસ મૂકી રહ્યા છે.

ડૉ. નારાયણને ચંદ્રયાન-૩, ચંદ્રયાન-1 અને આદિત્ય-L1 જેવા મહત્વપૂર્ણ મિશનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ચંદ્રયાન-3ની સફળ સોફ્ટ લેન્ડિંગે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે. ચંદ્રયાન-1 દ્વારા ચંદ્ર પર પાણીના અણુઓની શોધ અને આદિત્ય-L1 દ્વારા સૂર્યના અભ્યાસ માટે મેળવવામાં આવી રહેલા વૈજ્ઞાનિક ડેટા ભારતના અંતરિક્ષ સંશોધનની ઊંચાઈ દર્શાવે છે.

‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય અંગે તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં ભારતને મોટી સંખ્યામાં સેટેલાઇટ્સની જરૂરિયાત રહેશે. 2020 બાદના સ્પેસ સેક્ટર રિફોર્મ્સથી ખાનગી ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધકો અને સ્ટાર્ટ-અપ્સ માટે અંતરિક્ષ ક્ષેત્રે નવી તકો ઊભી થઈ છે. તેમણે જણાવ્યું કે ભારતની સ્પેસ કમ્યુનિટી આગામી સમયમાં નવી ટેકનોલોજી, નવીનતા અને વૈશ્વિક સહયોગના માધ્યમથી ભારતને વૈશ્વિક સ્પેસ લીડર બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ પ્રસંગે IN-SPACeના ચેરમેન ડૉ. પવનકુમાર ગોએન્કાએ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની પ્રગતિ, વૈશ્વિક સ્તરે ભારતની વધતી ભૂમિકા તથા ભવિષ્યમાં ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ISRO Robotics Challenge, ભારતીય અંતરિક્ષ હેકાથોન અને ડૉ. વિક્રમ સારાભાઈ સ્પેસ ક્વિઝના વિજેતા ટીમોને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં કારકિર્દી માટે નવી પેઢીને તૈયાર કરવી, ભારતના નવા અંતરિક્ષ પરિતંત્રનો વ્યાપ વધારવો તથા અંતરિક્ષ ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગની નવી ક્ષિતિજો જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોની ચર્ચાઓ યોજાઈ હતી. શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ, ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ, નવીનતા, સંશોધન, ખાનગી ક્ષેત્રની ભાગીદારી તથા વૈશ્વિક સહયોગની નવી તકોને ઉજાગર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વ તરફ આગળ ધપાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હતો.

આ કાર્યક્રમમાં SACના ડાયરેક્ટર ડૉ. વી. એન. રાવ, ડૉ. કાર્તિકેય સારાભાઈ સહિતના વરિષ્ઠ અંતરિક્ષ વૈજ્ઞાનિકો, ટેકનિકલ નિષ્ણાતો, સ્પેસ ઈન્ડસ્ટ્રી તથા સ્પેસ સ્ટાર્ટ-અપ્સના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande