
સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-રાજ્યવ્યાપી 77મા વન મહોત્સવ અંતર્ગત રવિવારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને લોકભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
પવિત્ર તાપી નદીના કિનારે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સામાજિક વનીકરણ વિભાગ, સુરત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વન સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વનરક્ષકો તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે નોંધપાત્ર યોગદાન આપનારા ઉત્સાહી સ્વયંસેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ, સુરત દ્વારા પ્રકાશિત વિશેષ માહિતી પુસ્તિકાનું પણ ખેડૂતો અને ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના રોપાઓ મેળવવા તેમજ વૃક્ષારોપણ અંગેની ઉપયોગી માહિતી આપવામાં આવી છે.
કાર્યક્રમને સંબોધતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન મહોત્સવ અને વનીકરણની પ્રવૃત્તિઓને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને લોકભાગીદારીનું વ્યાપક અભિયાન ઊભું કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રત્યે સન્માન અને પૂજાની પરંપરા રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષારોપણ કરવું જ નહીં, પરંતુ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી, પ્લાસ્ટિકનો કચરો ન ફેલાવવો અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર વર્તન કરવું પણ વન મહોત્સવની સાચી ઉજવણી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર ઓક્સિજનના સ્ત્રોત નથી, પરંતુ પર્યાવરણીય સંતુલન, જળચક્ર, પશુ-પક્ષીઓ તેમજ સમગ્ર માનવજીવન સાથે સીધા જોડાયેલા છે. તેથી વન મહોત્સવને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રાખતા વાવેલા વૃક્ષોના ઉછેર અને જતનનો સંકલ્પ લેવો જરૂરી છે.
ગુજરાત ઝડપથી ઔદ્યોગિક વિકાસ કરી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઉપલબ્ધ મર્યાદિત વન વિસ્તારને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય સંતુલન જાળવવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જવાબદારીપૂર્વક જતન કરવાની અપીલ કરી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું ગુજરાત આપવું હોય તો જળસંરક્ષણ, વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંરક્ષણને સામૂહિક જવાબદારી તરીકે સ્વીકારવું પડશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈયર, ભરૂચ વન વર્તુળના વન સંરક્ષક આનંદ કુમાર, નાયબ વન સંરક્ષક મિનલ સાવંત સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, પ્રકૃતિપ્રેમીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે