


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં ચૌધરી સમાજ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘મા અર્બુદા પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવ’નો આજે ભક્તિ અને શ્રદ્ધાભેર સમાપન થયો હતો. આદર્શ વિદ્યાસંકુલ ખાતે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
અંતિમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મા અર્બુદાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરના નવનિર્મિત શિખર, ધજાદંડ અને છત્રનું સ્થાપન પણ પૂર્ણ થયું હતું. શ્રી રામ આશ્રમ, નજુપુરાના પરમ પૂજ્ય બટુકબાપુએ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવ્યા.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ દર્શન કરી થાળ ધરાવ્યો હતો, જ્યારે પૂર્ણાહુતિ યજ્ઞમાં સમાજના શ્રેષ્ઠીઓ અને શ્રદ્ધાળુઓએ મહાઆહુતિ આપી હતી.
ત્રણ દિવસીય મહોત્સવે સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપ્યો હતો. સમગ્ર પાટણવાડા વિસ્તારમાં મહોત્સવને પગલે ભક્તિ અને ધાર્મિક ઉલ્લાસનો માહોલ છવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ