
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : વાગડોદ પોલીસે કાનોસણ સેવા સહકારી મંડળી લિમિટેડ સાથે સંકળાયેલા રૂ.2,47,06,623ની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં કાનોસણ ગામની સુર્યાબેન અને રંજુબાની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બંનેને ઝડપી પાડવામાં આવી હતી.
આ મામલે 06 ફેબ્રુઆરી, 2024ના રોજ વાગડોદ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 465, 467, 468, 471, 472, 475, 201, 120(બી) અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ તપાસ મુજબ, 04 જાન્યુઆરી, 2018થી 17 જૂન, 2021 દરમિયાન કાનોસણ સેવા સહકારી મંડળીના સભાસદો, પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યોએ ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની પાટણ શાખામાંથી KCC, દૂધાળા ઢોર, મકાન અને ગોડાઉન બાંધકામ સહિતની લોન મેળવવાનું કાવતરું રચ્યું હતું.
આ માટે નાયબ મામલતદાર (ઈ-ધરા) તથા સરસ્વતી મામલતદાર કચેરીના બોગસ સહી-સિક્કાવાળા 7/12 અને 8-અના ખોટા દસ્તાવેજો તથા સર્વે નંબરના પુરાવા તૈયાર કરી બેંકમાં રજૂ કરાયા હતા. તેના આધારે રૂ.2,47,06,623નું ધિરાણ મેળવ્યા બાદ લોનની મુદ્દલ કે વ્યાજ પરત ન કરી બેંક અને મંડળી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ