

ગાંધીનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા Center for Water Peace (CWP), Dr. Syama Prasad Mookerjee Research Foundation (SPMRF) અને i-Hub ના સહયોગથી અમદાવાદના KCG Auditorium ખાતે ‘Bharat Discourses on Water @2047’નું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિષદમાં નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ગ્રાસરૂટ્સ સ્તરે કાર્યરત આગેવાનો અને યુવા ઇનોવેટર્સ એકત્રિત થયા હતા. ભારતના જળ પડકારો, ભૂગર્ભજળ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, નદી પુનર્જીવન, શહેરી જળ સુરક્ષા, નવીનતા અને જળ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પદ્મ ભૂષણ ડૉ અનિલ પ્રકાશ જોશી એ, પાણીના સંરક્ષણને સામૂહિક જવાબદારી ગણાવતાં જણાવ્યું હતું કે, “આપણી દિશા ‘Water for All’ની હોવી જોઈએ. આ વિઝન ત્યારે જ સાકાર થઈ શકે, જ્યારે દરેક વ્યક્તિ પ્રકૃતિ સાથેના પોતાના સંબંધને સમજે અને પાણીના દરેક ટીપાને બચાવવાની જવાબદારી સ્વીકારે. જળ સુરક્ષા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી શક્ય નથી. તેના માટે આપણી વિચારસરણી, જીવનશૈલી અને કુદરતી સંસાધનો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન જરૂરી છે. સરકાર, સંસ્થાઓ, સમુદાયો અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે તો જ દરેક જીવ અને આવનારી પેઢી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકીશું.”
પદ્મશ્રી ઉમાશંકર પાંડે એ જળ સંરક્ષણમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ભારતના જળ પડકારોનો ઉકેલ માત્ર સરકારના પ્રયાસોથી નહીં, પરંતુ દરેક ગામ, દરેક સમુદાય અને દરેક નાગરિકની ભાગીદારીથી શક્ય બનશે. જ્યારે લોકો પોતાના સ્થાનિક જળસ્રોતોની જવાબદારી સ્વીકારે, પરંપરાગત જળ વ્યવસ્થાઓનું સંરક્ષણ કરે અને સામૂહિક રીતે કાર્ય કરે, ત્યારે જ જળ સંરક્ષણ એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બની શકે છે. આપણી પરંપરાગત જ્ઞાન પરંપરામાં પાણીના સન્માન અને સંરક્ષણની સમજ પહેલેથી જ છે. હવે આ સામૂહિક ભાવનાને ફરીથી આપણા રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે.”
આ પ્રસંગે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. મયુર જોષી એ જણાવ્યું હતું કે, “જળ સુરક્ષા માત્ર સરકારોના પ્રયાસોથી પ્રાપ્ત થઈ શકે નહીં. તેના માટે જાગૃતિ, વર્તણૂકમાં પરિવર્તન અને સામૂહિક પ્રયાસ જરૂરી છે. અમારો પ્રયાસ આ ચર્ચાને કોન્ફરન્સ હોલથી સમુદાયો સુધી લઈ જવાનો અને જળ સંરક્ષણને સૌની સહિયારી જવાબદારી બનાવવાનો છે.”
પરિષદમાં ભારતની પરંપરાગત જળ સંરક્ષણ પદ્ધતિઓને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. જોહડ, બાઓલી, કુંડ અને અન્ય પરંપરાગત જળસંચય પ્રણાલીઓ ના સંરક્ષણ અને પુનઃજીવન સાથે ભૂગર્ભજળ સંરક્ષણ, નદી પુનર્જીવન, જળવાયુ સ્થિતિસ્થાપકતા અને શહેરી જળ સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પરિષદમાં વિનય સહસ્રબુદ્ધે, ભૂતપૂર્વ સાંસદ (રાજ્યસભા) અને ભૂતપૂર્વ અધ્યક્ષ, ICCR; બિનાય કુમાર સિંહ, નિયામક, SPMRF; પદ્મશ્રી સતપાલ સિંહ; ડૉ. વિવેક કુમાર, વડા, સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજી, IIT દિલ્હી; પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય, કુલપતિ, BAOU; દિલીપ રાણા (IAS), કમિશનર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગુજરાત સરકાર; ઉમાકાંત ઉમરાવ, વરિષ્ઠ IAS અધિકારી અને અગ્ર સચિવ, મધ્ય પ્રદેશ સરકાર; પદ્મશ્રી મહેશ શર્મા; ચિરંજીવી પટેલ; તથા વિજય બઘેલ, જેઓ 'ગ્રીનમેન ઓફ ઈન્ડિયા' તરીકે જાણીતા છે તેના સહિતના અગ્રણીઓ અને નિષ્ણાતોની ઉપસ્થિતિ રહી હતી.
પરિષદ દરમિયાન થયેલી ચર્ચાઓ અને વિચારોના આધારે પ્રસ્તાવિત ‘Bharat Water Manifesto 2047’ ને આકાર આપવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય સંદેશ રહ્યો કે જળ સુરક્ષિત ભારતનું નિર્માણ આજે આપણે બચાવેલા દરેક ટીપાથી શરૂ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ