
જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલિટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા કેળવાય તે માટે પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત આર્મી ભરતી બોર્ડ-જામનગર દ્વારા યોજાનાર ભરતીમાં સ્થાનિક યુવાનો સફળ થઈ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી, જામનગર દ્વારા ટૂંક સમયમાં ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં જોડાવવા માટે અરજી કરવાની અગાઉની અંતિમ તારીખ ૧૭/૦૮/૨૦૨૬ હતી, જેને લંબાવીને હવે તારીખ: ૨૯/૦૮/૨૦૨૬ કરવામાં આવી છે. જામનગર ખાતે યોજાનાર આ તાલીમ વર્ગ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે, જેમાં તાલીમાર્થીઓનો રહેવા તથા જમવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને સાથે પ્રતિદિન રૂ.૧૦૦/- નું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.
આ તાલીમમાં જોડાવા માટે જામનગર જિલ્લાના ૧૭.૫૦ થી ૨૩ વર્ષની વયજૂથ ધરાવતા અને ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ કોઈપણ પ્રવાહ પાસ કરેલ ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે. ઉમેદવાર માટે શારીરિક યોગ્યતાના માપદંડ તરીકે ઊંચાઈ ૧૬૮ સે.મી., વજન ૫૦ કિલોગ્રામ તેમજ છાતી ફૂલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફૂલાવેલી ૮૨ સે.મી. હોવી જરૂરી છે. ૩૦ દિવસીય તાલીમ દરમિયાન ઉમેદવારોને દોડ, લાંબો કૂદકો, પુલ-અપ્સ જેવી શારીરિક કસોટીઓની તૈયારીઓ સાથે લેખિત પરીક્ષાનું સઘન માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
આ તાલીમ વર્ગમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોએ ૩૦ દિવસ સુધી સતત રહેવાની તૈયારી સાથે પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ અને ૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે તારીખ ૨૯/૦૮/૨૦૨૬ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતિ આપી જિલ્લા રોજગાર કચેરી, જામનગર ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે.
અગાઉ આવી નિવાસી તાલીમ મેળવેલ હોય તેવા ઉમેદવારો આમાં પુનઃ ભાગ લઈ શકશે નહીં. ઉમેદવારોની આખરી પસંદગી સંરક્ષણ ક્ષેત્રના નિયત શારીરિક માપદંડો મુજબ કરવામાં આવશે, જેમાં આર્મીની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt