અજબપુરામાં, પ્રાકૃતિક ખેતીની જિલ્લા સ્તરીય તાલીમ યોજાઈ
મહેસાણા, 25 ઓગસ્ટ, 2026 (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના અજબપુરા ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નેજા હેઠળ પ્રાકૃતિક ખેતી વિષયક જિલ્લા સ્તરીય તાલીમ શિબિર યોજાઈ હતી. તાલીમમાં ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી, ખેતી ખર્ચમાં ઘટાડો અને જમી
અજબપુરામાં પ્રાકૃતિક ખેતીની જિલ્લા સ્તરીય તાલીમ યોજાઈ


મહેસાણા, 25 ઓગસ્ટ, 2026 (હિ.સ.)

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના અજબપુરા ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નેજા હેઠળ પ્રાકૃતિક ખેતી વિષયક જિલ્લા સ્તરીય તાલીમ શિબિર યોજાઈ હતી. તાલીમમાં ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી, ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની ફળદ્રુપતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગણપત યુનિવર્સિટી, ખેરવા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક રવિભાઈ કાછડીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે બબીતાબેન ચૌધરીએ જીવામૃત સહિતના વિવિધ અસ્ત્રો બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું.

તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સર્ટિફિકેશનની પ્રક્રિયા, જમીન સુધારણાના ઉપાયો, ખેતપેદાશોના વેચાણ વ્યવસ્થાપન તેમજ મોડલ ફાર્મ અને BRC યુનિટ માટે ઉપલબ્ધ સરકારી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મદદનીશ ખેતી નિયામક અનીશભાઈ ભટ્ટ, વિસ્તરણ અધિકારી મનોજભાઈ પટેલ, ડી.પી.ડી. આત્મા પ્રકાશભાઈ રાઠોડ, એ.ટી.એમ. આત્મા કરણસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમના અંતે ખેડૂતોને અજબપુરાના પ્રગતિશીલ ખેડૂત કમલેશજી ઠાકોરના પંચસ્તરીય મોડલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. સફળ પ્રાકૃતિક ખેતીનું મોડલ નિહાળી ખેડૂતોને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande