

પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદે મિલાદુન્નબીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે હજારો મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા હતા. વહેલી સવારે મસ્જિદોમાં મિલાદ શરીફ અને સલાતો-સલામ પઢવામાં આવ્યા બાદ બાલ મુબારક અને કદમ મુબારકના દર્શન યોજાયા હતા.
પાટણમાં ઇકબાલચોક યંગ કમિટી દ્વારા ઇકબાલચોકથી પરંપરાગત ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો. જેમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના જુલૂસ પણ જોડાયા હતા. જુલૂસ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો, જેમાં ગુંબદે ખિજરા અને મસ્જિદે નબવીની કલાકૃતિવાળી પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જુલૂસમાં લોકો હાથમાં ઝંડા લઈને જોડાયા હતા, જ્યારે નાના બાળકો ઊંટલારીઓમાં સવાર થઈ ઝંડા ફરકાવતા જોવા મળ્યા હતા. માર્ગમાં ઠેર ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગુંબદે ખિજરા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સમી, સિદ્ધપુર, રાધનપુર, વારાહી, સિધાડા, સાંતલપુર, વડાવલી, ટાકોદી અને કાકોશીમાં પણ ઉજવણી થઈ હતી.
મોટા ટાંકવાડા પાસે હિન્દુ-મુસ્લિમ રાજકીય અને સામાજિક આગેવાનોએ જુલૂસનું સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે દાઉદ કાઝી અને ભૂરા ભાઈ સૈયદે ઈદે મિલાદુન્નબીના મહત્વ અંગે જણાવ્યું હતું. અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ દુઆ કરાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ