
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ધારાસભ્ય ડો. કીરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે પાટણ મતવિસ્તારના વિવિધ ગામોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બે તબક્કામાં યોજાનારા આ કેમ્પમાં 30 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી તબીબી સેવા આપવામાં આવશે. ચામડી, જનરલ ફિઝિશિયન, સર્જન, દાંત, બાળરોગ, સ્ત્રીરોગ, હાડકાં, આંખ તેમજ નાક-કાન-ગળાના નિષ્ણાત તબીબો દર્દીઓની તપાસ કરશે. સારવાર સાથે મફત દવા વિતરણ પણ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 30 ઓગસ્ટે બાલીસાણા, કુણઘેર અને રણુંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પ યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 5 સપ્ટેમ્બરે ડેર પ્રાથમિક શાળા, મોટા નાયતા પ્રાથમિક શાળા અને સરીયદ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પનો લાભ સંબંધિત વિસ્તારના આસપાસના ગામોના નાગરિકો લઈ શકશે. જરૂરિયાતમંદો માટે સ્થળ પર જ આયુષ્માન કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કેમ્પ દરમિયાન ગંભીર બીમારી અથવા ઓપરેશનની જરૂરિયાત જણાય તેવા દર્દીઓને ગુજરાત કે ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ વગરના લોકો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બે ફોટા સાથે કાર્ડ મેળવી શકશે, જ્યારે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો આધાર કાર્ડથી કાર્ડ કઢાવી શકશે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, અગાઉ પણ આવા 70થી વધુ મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ