
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગર નજીક સિક્કા સોલ્ટ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી બંધ હાલતમાં રહેલી પીજીવીસીએલની વીજલાઇનમાંથી અજાણ્યા શખ્સે એલ્યુમિનિયમના વાયર અને કેબલ કાપી કુલ રૂ.1,80,400ની ચોરી કરી હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે.
સિક્કા પીજીવીસીએલમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અમીતભાઈ રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, સિક્કા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રજા પર હોવાથી તા.17 ઓગસ્ટથી તેમને સિક્કાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. દરમિયાન તા.25 ઓગસ્ટે સિક્કા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર હિમાંશુભાઈ મોહનભાઈ ડોલરે ફોન કરી સિક્કા સોલ્ટ વિસ્તારમાં વીજતારની ચોરી થયાની જાણ કરી હતી.
જાણ થતાં ડેપ્યુટી એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા ત્યારે બે થાંભલા વચ્ચેના એક ગાળા સહિત કુલ 45 ગાળામાં આશરે 5400 મીટર એલ્યુમિનિયમનો એલટી વાયર ગાયબ હોવાનું જણાયું હતું, જેની કિંમત રૂ.1,34,400 ગણવામાં આવી છે. ઉપરાંત 11 કે.વી. વીજલાઇનના સાત ગાળામાંથી આશરે 840 મીટર એલ્યુમિનિયમનો એચટી વાયર, જેની કિંમત રૂ.38,000 તેમજ આશરે સાત મીટર એક્સએલપીઈ કેબલ, જેની કિંમત રૂ.8,000 ગણવામાં આવી છે.
આમ કુલ રૂ.1,80,400 ની કિંમતનો વીજવાયર અને કેબલ કોઈ અજાણ્યો શખ્સ કાપી ચોરી કરી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે અમીતભાઈ પરમારે સિક્કા પોલીસ મથકમાં અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt