
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગર જિલ્લાના લાલપુર નજીક મેઘપર (પડાણા) ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી દવાઓ આપતા હોવાના આક્ષેપસર બે શખ્સો સામે મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. બંને સ્થળેથી દવાઓ તથા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, મેઘપર ગામની પતરા વાળી માર્કેટમાં સરકારી પાણીની ટાંકી સામે રહેતા શ્રીમંતો પશુપતિ બિસ્વાસ (ઉ.વ.35) દર્દીઓને તપાસી દવાઓ આપી સારવાર કરતા હોવાનું ધ્યાનમાં આવતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના કબજામાંથી દવાઓ તથા સાધનો કબજે કર્યા હતા. આરોપીને નોટિસ આપવામાં આવી છે.
બીજી કાર્યવાહી મેઘપર ગામની મચ્છી માર્કેટ વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં રહેતા અવિજીત અધિર બિસ્વાસ (ઉ.વ.31) સામે પણ ડોક્ટરની કોઈ ડિગ્રી નહીં હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપી સારવાર કરવાના આક્ષેપસર ગુનો નોંધાયો છે. તેના કબજામાંથી દવાઓ તથા સાધનો મળી આવ્યા હતા.
બંને બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ 1963ની કલમ 30 તથા બી.એન.એસ.ની કલમ 125 મુજબ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. બંને કાર્યવાહી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt