
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ ચોમાસામાં વરસાદની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી વરસાદના એક છાંટો પણ પડ્યો નથી, અને ઓગસ્ટ મહિનો કોરો ધાકોડ રહ્યો છે અત્યાર સુધી નોંધાયેલો વરસાદ જરૂરિયાત કરતાં ઓછો હોવાથી ખરીફ પાકના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. આગામી એક સપ્તાહ દરમિયાન સારો વરસાદ નહીં થાય તો પાણીના અન્ય સ્ત્રોત વિનાના ખેતરોમાં ઉભા પાકને નુકસાની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં ચાલુ ખરીફ સિઝનમાં કુલ 3,36,989 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. ખેતીવાડી વિભાગના આંકડા મુજબ 2,16,926 હેક્ટરમાં મગફળી તેમજ 89,627 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.
જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અને ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ નહીં હોય તો વાવેતર કરેલા પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ચોમાસાની ઋતુનો મોટો સમય વીતી જવા છતાં જામનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ માત્ર આશરે 27 ટકા જેટલો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. વરસાદની સતત અછતને કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ આગામી સમયમાં પીવાના પાણી સહિતની પાણીની સમસ્યા પણ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે. આગામી સપ્તાહનો વરસાદ જામનગર જિલ્લાના ખરીફ પાક માટે નિર્ણાયક બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt