મોટા કાંડાગરામાં ડ્રગ્સનો ખેલ બેધડક! 12 ગ્રામ હેરોઇન સાથે પંજાબના બે શખ્સ ઝડપાયા
કચ્છ, 26 ઓગસ્ટ (હિ.સ.) : ₹2.57 લાખનો મુદ્દામાલ જપ્ત; મુંદરા પોલીસે આનંદ લેબર કોલોનીમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો કચ્છમાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીને અંકુશમાં લેવા પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે મુંદરા પોલીસે મહત્વપૂર્ણ
ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ


ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 26 ઓગસ્ટ (હિ.સ.) : ₹2.57 લાખનો મુદ્દામાલ જપ્ત; મુંદરા પોલીસે આનંદ લેબર કોલોનીમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો

કચ્છમાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીને અંકુશમાં લેવા પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે મુંદરા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મોટા કાંડાગરા વિસ્તારમાં આવેલી આનંદ લેબર કોલોનીમાં પોલીસે દરોડો પાડી 12 ગ્રામ હેરોઇન સાથે પંજાબના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન હેરોઇન ઉપરાંત રોકડ, મોબાઇલ ફોન, ડેબિટ કાર્ડ તેમજ ડ્રગ્સના સેવન અને વજન માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

મુંદરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુજપુર આઉટ પોસ્ટ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે આનંદ લેબર કોલોનીના રૂમ નંબર 68માં તપાસ હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન રૂમમાંથી બે શખ્સો મળી આવતા તેમની અટકાયત કરી તલાશી લેવામાં આવી હતી. તપાસમાં બંનેની ઓળખ પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા તાલુકાના સુનીયાન ગામના રહેવાસી સાગર મેન્યુઅલ મસિહ અને મલકીતસિંગ ગુરબીતસિંગ તરીકે થઈ હતી.

તલાશી દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે ₹2.40 લાખની કિંમતનું 12 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. સાથે જ ₹6,800 રોકડા, આશરે ₹11,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને ત્રણ ડેબિટ કાર્ડ પણ પોલીસના હાથે લાગ્યા હતા. ઉપરાંત એલ્યુમિનિયમ પેપરનો ટુકડો, બે લાઇટર, ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાવાતી વળેલી ₹20ની બે નોટ તથા નાનો ઇલેક્ટ્રિક વજનકાંટો પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ સામાન સહિત કુલ ₹2,57,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ મામલે બંને શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હેરોઇનનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા, તેની પાછળ કોઈ સપ્લાયર છે કે નહીં અને સ્થાનિક સ્તરે આ નશીલો પદાર્થ કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ હવે કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. મુંદરા વિસ્તારમાં નશાના નેટવર્કને લઈને આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande