

કચ્છ, 26 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં લાકડાની હેરફેર કરતા વાહનો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવતા હોવાની મળેલી રજૂઆતોના આધારે કચ્છ પૂર્વ એ.સી.બી.એ કાર્યવાહી હાથ ધરી હતી. ભચાઉ નજીક આવેલી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર ગોઠવાયેલા લાંચના છટકામાં વન વિભાગના વનરક્ષક સહિત બે શખ્સો લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે.
એ.સી.બી.ને એવી માહિતી મળી હતી કે કચ્છમાંથી લાકડું ભરીને હાઈવે પરથી પસાર થતા વાહનોને સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર વાહતુક પાસમાં જરૂરી સિક્કો કરી આપવાની તેમજ રજીસ્ટરમાં નોંધ કરવાની કામગીરી માટે વાહનચાલકો પાસેથી નાણાંની ગેરકાયદેસર માંગણી કરવામાં આવે છે. મળેલી માહિતી અનુસાર, વાહનદીઠ રૂ.100થી લઈને રૂ.1,000 સુધીની રકમ લેવાની પ્રથા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ હકીકતના આધારે ગાંધીધામ સ્થિત કચ્છ પૂર્વ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા એક જાગૃત નાગરિકના સહકારથી ડીકોય ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.સી.બી.ની ટીમે પૂર્વનિયોજિત રીતે કાર્યવાહી ગોઠવી હતી અને સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ ખાતે ડીકોય ગોઠવવામાં આવ્યો હતો.
આ દરમિયાન આ કેસના આરોપી તરીકે દર્શાવાયેલા જામનસા ઓસામણ સૈયદ, રહે. બુઢાર મોરા, તા. અંજાર, કચ્છ, નામના ખાનગી વ્યક્તિએ વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીના કહેવાથી વાહતુક પાસમાં સિક્કો કરી રજીસ્ટરમાં નોંધ કરવા બદલ ડીકોય પાસેથી રૂ.100ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ માંગવામાં આવેલી રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે આરોપીને ઝડપી લીધો હતો.
ટ્રેપ દરમિયાન લાંચની માંગણી મુજબની રૂ.100ની રકમ પણ રિકવર કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ ખાતે હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી, ભચાઉ નોર્મલ રેન્જ, કચ્છ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.સમગ્ર ટ્રેપનું નેતૃત્વ કચ્છ (પૂર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.વી. ચૌધરીએ કર્યું હતું. એ.સી.બી.ની આ કાર્યવાહીએ સરકારી ફરજના નામે સામાન્ય નાગરિકો પાસેથી થતી ગેરકાયદેસર નાણાંની માંગણીઓ સામે કડક સંદેશ આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar