
મહેસાણા, 26 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
ખેતરમાં ઝડપથી ફેલાતું ગાજરઘાસ ખેડૂતો માટે માથાનો દુખાવો બની રહે છે. પાક સાથે હરીફાઈ કરીને પોષકતત્ત્વો શોષી લેતા આ નિંદામણથી પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર અસર થઈ શકે છે. જોકે, વૈજ્ઞાનિક પદ્ધતિથી ગાજરઘાસનું કમ્પોસ્ટિંગ કરવામાં આવે તો તેમાંથી ઉપયોગી સેન્દ્રિય ખાતર બનાવી શકાય છે.
ગણપત યુનિવર્સિટીના બી.કે. પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોફેસરના જણાવ્યા મુજબ ગાજરઘાસને બાળવાને બદલે તેનું વૈજ્ઞાનિક રીતે કમ્પોસ્ટિંગ કરવું વધુ ઉપયોગી છે. ગાજરઘાસમાંથી તૈયાર થતા ખાતરમાં 1.05% નાઈટ્રોજન, 0.84% ફોસ્ફરસ, 1.11% પોટાશ, 0.90% કેલ્શિયમ અને 0.55% મેગ્નેશિયમ જોવા મળે છે. આ પ્રમાણ છાણિયા ખાતર કરતાં કેટલાક પોષકતત્ત્વોમાં વધુ છે.
ખાતર બનાવવા માટે પાણી ભરાઈ ન રહે તેવી જગ્યાએ આશરે 3x6x10 ફૂટનો ખાડો બનાવવો. તળિયે 4થી6 ઇંચ સૂકું ગાજરઘાસ અથવા કચરો પાથરી, તેના પર 6થી8 ઇંચ લીલું ગાજરઘાસ પાથરી દબાવવું અને 40થી50 લિટર પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ 10 લિટર પાણીમાં 10થી12 કિલો કાચું છાણ તથા 100 ગ્રામ યુરિયા અથવા 500 ગ્રામ રોક ફોસ્ફેટનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
ત્યારબાદ 15થી20 કિલો માટીનું પડ પાથરી પાણી છાંટવું અને આ રીતે સ્તર બનાવી ખાડો ભરવો. અંતે ખાડાને ડોમ આકાર આપી છાણ, માટી અને ભૂસાના મિશ્રણથી લીંપીને બંધ કરવો. આ પદ્ધતિથી ગાજરઘાસનો યોગ્ય નિકાલ થવાની સાથે ખેડૂતોને ઉપયોગી સેન્દ્રિય ખાતર પણ મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR