
મહેસાણા, 25 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
મહેસાણા જિલ્લા કલેકટર શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ આવે અને પ્રજાજનોને ફરિયાદ માટે ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર શાલિની દુહાને અરજદારોની રૂબરૂ રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. પ્રજાજનો દ્વારા વિવિધ વિભાગોને લગતા કુલ 147 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો લાભ, લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી, નમોશ્રી યોજનાનો લાભ, મચ્છરજન્ય રોગ નિવારણ, સંપાદનનું વળતર, ગટરના પાણીથી થતું પ્રદૂષણ તેમજ ONGCમાં જમીન સંપાદન અને વળતર સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
કલેકટરશ્રીએ રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રજાજનોના પ્રશ્નોનું નિયમ મુજબ અને ઝડપથી નિરાકરણ લાવવા તેમજ અરજદારોને સમયસર જવાબ મળે તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR