
મહેસાણા, 26 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
વડનગર પોલીસે શેરબજારમાં રોકાણ કરાવી વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરી, એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઇલ ફોન અને શેરબજારમાં રોકાણ કરતા ગ્રાહકોના મોબાઇલ નંબરનું કોન્ટેક્ટ લિસ્ટ મળી કુલ ₹28,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, સુલતાનપુર ગામની સીમમાં જીવાપરુ નજીક વિસંગપરુ જહુ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો લોકોના મોબાઇલ નંબરનું લિસ્ટ મેળવી તેમને ફોન કરતા હતા. આરોપીઓ ‘માર્કેટ પલ્સ’ નામની એપ્લિકેશનમાં શેરબજારની વધઘટ જોઈ ગ્રાહકોને વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, કોઈ માન્ય લાયસન્સ વિના શેરબજારમાં લે-વેચની પ્રવૃત્તિ કરી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતો હતો.
બાતમીના આધારે વડનગર પોલીસની ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન સુલતાનપુરના વચલોવાસમાં રહેતા ઠાકોર ચેહરાજી ઉર્ફે ચેહાજી દિવાનજી પરતબજી (ઉંમર 22)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કેસમાં ઠાકોર અર્જુનજી રમેશજી અને ઠાકોર શંકરજી વિરસંગજી સહિતના બે આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. વડનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.પી. સિસોદીયાના માર્ગદર્શન હેઠળ PSI એ.આર. બારીઆ સહિતની ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR