
મહેસાણા, 25 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વર્ષ 2026 માટે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને વિશિષ્ટ પ્રદાન કરનારા સરકારી તથા બિનસરકારી અનુદાનિત શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના બે મળી કુલ 5 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાના પારિતોષિકમાં પ્રાથમિક વિભાગમાંથી વિસનગર તાલુકાની ભાન્ડુપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નયનાબેન અમૃતલાલ સુથારની પસંદગી થઈ છે.
માધ્યમિક વિભાગમાં વિજાપુર તાલુકાની ડાભલા સ્થિત શ્રી ચાવડા એસ.જે. અને શાહ એસ.બી. હાઈસ્કૂલના શિક્ષક અંકુરકુમાર બાબુલાલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઊંઝા તાલુકાની સર્વોદય હાઈસ્કૂલ, કહોડાના શિક્ષિકા યોગીનીબેન ઈશ્વરલાલ પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા છે.
તાલુકા કક્ષાના પારિતોષિક માટે વિજાપુર તાલુકાની રામપુરા (કુ) પ્રાથમિક શાળાના શિક્ષક પ્રતિકકુમાર વિનોદકુમાર પટેલ અને જોટાણા તાલુકાની મરતોલી પ્રાથમિક શાળાના શિક્ષિકા રાજેશ્વરી હિતેન્દ્રકુમાર મિસ્ત્રીની પસંદગી થઈ છે. આ પસંદગી શિક્ષકોની સેવાભાવના અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને સન્માનિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR