
ગીર સોમનાથ, 26 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. શ્રાવણ માસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાની ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પૂરી પાડવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયાએ 'શ્રાવણ ઉત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો.
ઉદ્ઘાટન બાદ જિલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન મહેન્દ્ર પીઠિયા, સોમનાથ મંદિર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં મહાનુભાવોએ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો સાથે સંવાદ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહિલા સખી મંડળોને આત્મનિર્ભર બનાવવા અને તેમનાં ઉત્પાદનોને યોગ્ય બજાર પૂરું પાડવા માટે તા.૨૬/૦૮/૨૦૨૬ થી ૩૦/૦૮/૨૦૨૬ દરમિયાન સવારે ૯.૦૦ થી રાતે ૧૦.૦૦ સુધી સોમનાથ મંદિર પરિસર, ભાટિયા મેદાન ખાતે 'શ્રાવણ ઉત્સવ’ ચાલશે.
આ મેળામાં વિવિધ ૨૦ થી વધુ સ્ટોલ મારફતે ગીર સોમનાથ જિલ્લાના સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, ઘર સજાવટની વસ્તુઓ તેમજ અન્ય સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ચાર સખી મંડળોને કુલ રૂ.૪૯.૦૫ લાખની લોનના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ નાણાકિય સહાય મહિલા સ્વસહાય જૂથોને પોતાના વ્યાપારની ક્ષિતિજોનું વિસ્તરણ કરવામાં મદદરૂપ થશે.
ગ્રામ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) દ્વારા સખીમંડળની બહેનો તેમના ઉત્પાદનો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ઉપરાંત તેઓને રહેવા, જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. વધુમાં સખી મંડળની બહેનોને આવવા જવા માટે ભાડું પણ આપવામાં આવે છે. આમ સખીમંડળની બહેનો અન્ય કોઈ ખર્ચ વગર તેમની વસ્તુનું સારી રીતે વેચાણ કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ