




નેશનલ હાઈવે 48 ના જૂના સરદાર બ્રિજ પરથી સાયકલ મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું
ફાયર વિભાગે 2 દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી બાળકનો મૃતદેહ બહાર કાઢતા પરિવારમાં અરેરાટી
માસૂમ પુત્રનો મૃતદેહ જોતાં જ માતા-પિતાનું આક્રંદ અશ્રુધારામાં ફેરવાયું
ભરૂચ 26 ઓગસ્ટ (હિ.સ.)
ભરૂચના ઝાડેશ્વરમાં રહેતા શાહ પરિવારમાં પ્રવાસે જવા જેવી નાની બાબતે માતા સાથે થયેલી બોલાચાલી બાદ ઘર છોડીને નીકળી ગયેલા એક સગીર બાળકની કરુણ અંતિમ યાત્રા નર્મદા નદીના કિનારે પૂર્ણ થઈ છે. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ઝાડેશ્વર ચોકડી નજીકના જૂના સરદાર બ્રિજ પરથી બાળક વિહોણી સાયકલ મળી આવ્યા બાદ ધમધમતા કરાયેલા 2 દિવસના સર્ચ ઓપરેશનના અંતે ફાયર વિભાગની ટીમને સગીરનો મૃતદેહ હાથ લાગ્યો છે. એકના એક માસૂમ પુત્રનો મૃતદેહ મળતા જ માતા-પિતા અને પરિવારજનોનું આક્રંદ પથ્થર દિલ માનવીને પણ રડાવી દે તેવું બની ગયું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ થવાનો મામલો.ધોરણ 8માં અભ્યાસ કરતા કાનવ ધીરેન શાહ નામનો બાળક 2 દિવસથી હતો ગુમ.માતા સાથે પ્રવાસ જવા બાબતે થયેલી રકઝક બાદ બાળક ઘરેથી નિકળી ગયો હતો.નર્મદા નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.પુત્રની લાશ જોઈને માતા પિતાનું આક્રંદ સમાતું નોહ્તું
સગીર બાળકને શાળા કે મિત્રો સાથે પ્રવાસે જવું હતું. આ બાબતે પરિવારમાં માતા સાથે સામાન્ય રકઝક અને બોલાચાલી થઈ હતી. જે બાદ બાળક ઘરેથી પોતાની સાયકલ લઈને નીકળી ગયો હતો. બાળક મોડે સુધી ઘરે પરત ન ફરતાં ચિંતિત પરિવારે તેની શોધખોળ આદરી હતી.દરમિયાન, નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ઝાડેશ્વર ચોકડી નજીક જૂના સરદાર બ્રિજ પરથી બાળકની સાયકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બ્રિજ પર સાયકલ મળતાં જ બાળકે નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકાના આધારે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જોઈ ફાયર વિભાગની ટીમે તાબડતોબ સ્થળ પર પહોંચી નર્મદા નદીમાં બોટ અને રેસ્ક્યૂ સાધનો સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લગાતાર 2 દિવસ સુધી ચાલેલા સતત સર્ચ ઓપરેશન બાદ આખરે ફાયર ફાઈટરોને બાળકનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી.પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હોસ્પિટલ પરિસરમાં જ પુત્રની લાશ જોઈને માતા-પિતાનું આક્રંદ સમવાનું નામ લેતું નહોતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ