જામનગર નજીક દરેડ વિસ્તારમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો
જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના દરેડ વિસ્તારમાં મકાનના લાઈટ બિલના રૂ.2,050 ભરવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવક ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ પંચ-બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. દરેડ મસીતીયા રોડ, ઈન્દિરા કોલોની શે
હુમલો


જામનગર, 26 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના દરેડ વિસ્તારમાં મકાનના લાઈટ બિલના રૂ.2,050 ભરવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક યુવક ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ પંચ-બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

દરેડ મસીતીયા રોડ, ઈન્દિરા કોલોની શેરી નં.1માં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા ધર્મેન્દ્રભાઈ માધવજીભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, દરેડ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલું તેમનું બીજું મકાન આશરે ચાર માસ પહેલાં રાજેશભાઈ ભુપતભાઈ કાપડીને ભાડે આપ્યું હતું. મકાનનું લાઈટ બિલ સમયસર ભરવામાં આવતું ન હોવાથી તા.10 ઓગસ્ટે મકાન ખાલી કરાવ્યું હતું.

દરમિયાન તા.23 ઓગસ્ટની રાત્રે ધર્મેન્દ્રભાઈએ રાજેશભાઈને ફોન કરી બાકી રહેલા રૂ.2,050નું લાઈટ બિલ ભરવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં રાજેશભાઈ કાપડી, તેના ભાણેજ ધાર્મીક શૈલેષભાઈ ગોંડલીયા અને મનોજ શૈલેષભાઈ ગોંડલીયા સી.એન.જી. રિક્ષા નં. જી.જે.10-ટી.ઝેડ.4331માં ધર્મેન્દ્રભાઈના ઘર પાસે આવ્યા હતા.

ફરિયાદ મુજબ ત્રણેય શખ્સો લોખંડના પાઈપ સાથે રિક્ષામાંથી ઉતરી ગાળો બોલવા લાગ્યા હતા અને લાઈટ બિલના પૈસા ભરવાના નથી, તારાથી થાય તે કરી લેજે તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રાજેશ કાપડીએ ધર્મેન્દ્રભાઈના માથાની ડાબી બાજુ લોખંડના પાઈપનો ઘા કર્યો હતો, જ્યારે ધાર્મીક અને મનોજ ગોંડલીયાએ ડાબા પગમાં ઘૂંટણની બાજુ તથા પગના તળિયામાં પાઈપના ઘા માર્યા હોવાનો આક્ષેપ છે. માથામાં ઈજા થતાં લોહી નીકળ્યું હતું અને જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા.

હુમલા સમયે ફરિયાદીના મિત્ર અલી ખફી, પાડોશી કિશોરભાઈ ભરવાડ તથા માતા અમીબેન વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન અમીબેનની જમણા હાથની વચલી આંગળીમાં પણ મૂઢ ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલાખોરો રિક્ષામાં ફરાર થઈ ગયા બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જી.પી. એક્ટની કલમ 135(1) સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande