
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.) : પાટણના શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દરરોજ અવનવા હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ અને મનોરથીઓના સહયોગથી વૈષ્ણવ ભક્તોને આ ધાર્મિક અને ભક્તિમય દર્શનનો લાભ મળી રહ્યો છે.
બુધવારે મંદિર ખાતે લીલી ઘટા અને પ્રકૃતિના સુંદર ફૂલોથી સજ્જ મનમોહક હિંડોળા મનોરથનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રભુ શ્રી દ્વારકાધીશજીને સુંદર હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ અલૌકિક શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.
મંદિરના ટ્રસ્ટી કૌશિકભાઈ સોનીએ જણાવ્યું હતું કે શ્રાવણ સુદ પૂનમના પાવન દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશજીને રક્ષા (રાખડી) ધરાવવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન યોજાતા વિવિધ હિંડોળા મનોરથથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ