શાળાની આરોગ્ય તપાસ બની જીવનદાતા: ભચાઉની 6 વર્ષની અમૈરાને હૃદયની ગંભીર ખામીમાંથી મળ્યું નવું જીવન
કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ તાલુકાની એક શાળામાં થયેલી સામાન્ય આરોગ્ય તપાસ છ વર્ષની બાળકી અમૈરા દિનેશભાઈ પટેલ માટે જીવન બદલનારી સાબિત થઈ છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલા 4D સ્ક્રીનિંગ દરમિયાન બાળકીમાં જન્મજાત હૃદયની ખામીની આશંકા સામ
શાળા આરોગ્ય કાર્યક્રમ ની લાભાર્થી


કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ તાલુકાની એક શાળામાં થયેલી સામાન્ય આરોગ્ય તપાસ છ વર્ષની બાળકી અમૈરા દિનેશભાઈ પટેલ માટે જીવન બદલનારી સાબિત થઈ છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલા 4D સ્ક્રીનિંગ દરમિયાન બાળકીમાં જન્મજાત હૃદયની ખામીની આશંકા સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના તેને નિષ્ણાત તબીબી સારવાર માટે રિફર કરી હતી. સમયસર થયેલી ઓળખ અને સારવારના કારણે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં અમૈરાનું હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

નવી ભચાઉ વિસ્તારમાં રહેતી અમૈરા પરમશાંતિ શાળામાં અભ્યાસ કરે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ RBSK ટીમ દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અમૈરાની તબીબી સ્થિતિમાં હૃદય સંબંધિત સમસ્યાની સંભાવના જણાઈ હતી. સામાન્ય તપાસમાં સામે આવેલી આ ગંભીર આશંકાને પગલે ટીમે તરત જ બાળકીના પરિવારને જાણ કરી અને આગળની જરૂરી તપાસ માટે માર્ગદર્શન આપ્યું.

આરોગ્ય કર્મચારીઓએ બાળકીના વાલીઓને તેની સ્થિતિ સમજાવીને સરકારી આરોગ્ય યોજનાઓ અને સારવાર માટે ઉપલબ્ધ સહાય અંગે પણ માહિતી આપી હતી.ત્યારબાદ રેફરલથી લઈને નિષ્ણાત તબીબી તપાસ અને સારવાર સુધીની પ્રક્રિયામાં RBSK ટીમે સતત અનુસરણ કર્યું હતું. પરિણામે અમૈરાને સરકારી આરોગ્યલક્ષી યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો.

તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં અમૈરાનું હૃદયનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. સારવાર બાદ પણ આરોગ્ય વિભાગની ટીમે જવાબદારી જાળવી રાખી અને બાળકીના ઘરે જઈ પોસ્ટ-ઓપરેટિવ મુલાકાત કરી. ટીમે તેની તબિયત અંગે માહિતી મેળવી તેમજ ઓપરેશન બાદ જરૂરી કાળજી અને સાવચેતી અંગે પરિવારને માર્ગદર્શન આપ્યું.હાલ અમૈરાની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તે સ્વસ્થ છે. આ સમગ્ર સફળ કામગીરી CDHO ડૉ. મિતેષ ભંડેરી, RCHO તથા THO ભચાઉ ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ RBSK ભચાઉના ડૉ. નિરાલીબા ઝાલા, ડૉ. તેજસ વ્યાસ અને FHW મીનલબેનના સંકલિત પ્રયાસોથી શક્ય બની છે.

આ ઘટના સાબિત કરે છે કે શાળા આરોગ્ય તપાસ માત્ર સામાન્ય ચેકઅપ નથી, પરંતુ સમયસર કરવામાં આવતી તપાસ ગંભીર અને જન્મજાત રોગોની વહેલી ઓળખ કરીને બાળકને યોગ્ય સારવાર સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે. અમૈરાની કહાની આરોગ્ય તપાસની ઉપયોગિતા અને “સમયસર તપાસ, વહેલી ઓળખ અને યોગ્ય સારવાર”ના મહત્વનું જીવંત ઉદાહરણ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande