


ગોધરા, ૨૭ઓગસ્ટ (હિ. સ.)
પંચમહાલમાં ફુડ સેફટી વિભાગની સઘન તપાસ ઝુંબેશ: ૬૦થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, ૩૦થી વધુ પેઢીઓને ઈમ્પરૂવમેન્ટ નોટીસ
આવનારા તહેવારોને ધ્યાને રાખી મીઠાઈ, ફરસાણ અને દૂધની બનાવટોના ૧૬ નમૂના લેબોરેટરીમાં મોકલાયા
અખાદ્ય તેલ, કલરવાળી ચટણી અને એક્સપાયરી ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની ઉજવણી પૂર્વે પ્રજાજનોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા ખાતે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
‘ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ’ હેઠળ કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન જિલ્લાની ૬૦ થી વધુ પેઢીઓની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાયદાકીય જોગવાઈઓનું પાલન ન કરતી ૩૦ થી વધુ પેઢીઓને 'ઈમ્પરૂવમેન્ટ નોટીસ' ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તમામ વેપારીઓને પેઢીમાં હાઈજેનિક કંડિશન (સ્વચ્છતા) જાળવવા અને યોગ્ય સાફ-સફાઈ રાખવા માટે સખત સૂચના આપવામાં આવી છે.
તહેવારોને અનુલક્ષીને બજારમાં વેચાતી મીઠાઈ, ફરસાણ તથા દૂધની વિવિધ બનાવટોના કુલ ૧૬ જેટલા નમૂનાઓ એકત્રિત કરી પૃથ્થકરણ અર્થે ગુજરાત સરકારની માન્ય લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ રીપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તપાસ ઝુંબેશ હેઠળ ગોધરા સીટીના બગીચા વિસ્તારમાં આવેલી ખાણી-પીણીની લારીઓમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી.
ફુડ સેફટી વાન દ્વારા વિવિધ પેઢીઓની તપાસ દરમિયાન સ્થળ પર જ બિનઆરોગ્યપ્રદ કલરવાળી ચટણી, અખાદ્ય તેલ, એક્સપાયર થયેલી ચીજવસ્તુઓ તેમજ અખાદ્ય દૂધની બનાવટોનો જથ્થો શોધી કાઢી તેનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવનારા તહેવારો દરમિયાન પણ આ પ્રકારની સઘન તપાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા-પંચમહાલ દ્વારા જિલ્લાના તમામ ફુડ વિક્રેતાઓ અને વેપારી પેઢીઓને ફુડ સેફટી કાયદાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ