
મહેસાણા, 27 ઑગસ્ટ (હિ.સ.) ઊંઝા એસ.ટી. ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનની બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા વિભાગ હેઠળના ડેપોમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય કર્મચારીઓને બ્રહ્માકુમારી બહેનોએ રાખડી બાંધી સુખ-સમૃદ્ધિ, દીર્ઘાયુ અને સુરક્ષાની શુભકામનાઓ પાઠવી હતી.
રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે કર્મચારીઓને સલામતી, સ્વચ્છતા અને વ્યસનમુક્ત જીવન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી બહેનોએ કર્મચારીઓના દીર્ઘાયુ અને સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી. તેમજ બસ સ્ટેન્ડ અને ડેપો પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે પણ કર્મચારીઓને અપીલ કરવામાં આવી હતી.
સલામત મુસાફરી અને ટ્રાફિક નિયમો પાલનની પ્રતિજ્ઞા
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસ.ટી. કર્મચારીઓને ટ્રાફિક અને સલામતીના નિયમોનું કડક પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. માર્ગ અકસ્માતો નિવારી મુસાફરો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાનો કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
આ પ્રસંગે ડેપો મેનેજર, એટીઆઈ શિવરામભાઈ ચૌધરી સહિત એસ.ટી. ડેપોનો સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR