જામનગરમાં બાળકોના ઝઘડામાં વડીલો વચ્ચે લોહીયાળ જંગ: ચાકી સમાજના પ્રમુખની હત્યાથી ચકચાર
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના અતિ ગીચ અને સંવેદનશીલ એવા શેતાવાડ વિસ્તારમાં બાળકો વચ્ચે રમત-રમતમાં થયેલી નજીવી બોલાચાલીએ લોહીયાળ સ્વરૂપ ધારણ કરતાં જામનગર ચાકી સમાજના પ્રમુખ અને સ્થાનિક અગ્રણી એવા ૬૪ વર્ષીય ઇબ્રાહિમ સિદ્દીકભાઈ ચાકીની કરૂણ હત્
ચાકી સમાજના પ્રમુખ ની હત્યા


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગરના અતિ ગીચ અને સંવેદનશીલ એવા શેતાવાડ વિસ્તારમાં બાળકો વચ્ચે રમત-રમતમાં થયેલી નજીવી બોલાચાલીએ લોહીયાળ સ્વરૂપ ધારણ કરતાં જામનગર ચાકી સમાજના પ્રમુખ અને સ્થાનિક અગ્રણી એવા ૬૪ વર્ષીય ઇબ્રાહિમ સિદ્દીકભાઈ ચાકીની કરૂણ હત્યા થઈ છે.

બાળકો વચ્ચે શરૂ થયેલા વિવાદમાં બંને પક્ષના વડીલો કૂદી પડતાં મામલો બિચક્યો હતો અને સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષના લોકો સામસામે આવી જઈ મારમારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઝગડો શાંત પાડવા વચ્ચે પડેલા ચાકી સમાજના પ્રમુખ ઇબ્રાહિમભાઈ પર તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇબ્રાહિમ ચાકીનું ઘટનાસ્થળે જ અતિ દર્દનાક મોત નીપજ્યું હતું.

સમાજના પ્રમુખ અને માનનીય અગ્રણીની હત્યા થતાં જ સમગ્ર શેતાવાડ સહિત જામનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને ચાકી સમાજમાં ઘેરા શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે. બનાવ અંગેની જાણ થતાં જ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. બાળકોની રમતમાંથી ઉદ્ભવેલા આ કાળજું કંપાવી દે તેવા લોહીયાળ ખેલ અંગે પોલીસે અંકુશિત ગુનો નોંધી, સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી છે. ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande