મહેશ્વરીનગરમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, ગાંધીધામ A-ડિવિઝન પોલીસની કાર્યવાહી
કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી પાં
મહેશ્વરી નગર જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર સંબંધિત મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગાંધીધામ શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં મડદપીર દરગાહ તરફ જતી ગલીમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા થઈ જુગારની પ્રવૃત્તિ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતા જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે સતર્કતા દાખવી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસની કાર્યવાહી દરમિયાન હાજી હુસેન ટાંક, જહાંગીરઅબ્બાસ મોજુભાઇ રાઠોડ, હુશેન જુસબ મંગવાળા, સુલેમાન જુસબ મંગવાળા અને અવેશ મામદભાઈ માણેકને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ શખ્સો ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ કાર્યવાહી બાદ પોલીસે જુગાર અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે થતી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કામગીરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande