
કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : આદિપુર શહેરમાં જાહેર સ્થળે ગંજીપાનાથી જુગાર રમવાની પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આદિપુર જનતા હાઉસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ખુલ્લી શેરીમાં ગંજીપાનાથી જુગાર રમતા કુલ આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.3,19,150નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની સૂચનાથી પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે આદિપુર જનતા હાઉસમાં આવેલા મકાન નંબર 56ની બહાર જાહેર શેરીમાં કેટલાક લોકો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીથી જુગાર રમતા લોકોમાં અફરાતફરી મચી હતી, જોકે પોલીસે તમામ આઠ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે હિતેશ મનસુખભાઈ પટેલ, સંજય વિનુભાઈ ઝાપડીયા, દીનેશુકમાર મેઠાભાઈ રાવત, સુનિલ ચેલારામ મનકાણી, રવિન્દ્રકુમાર શામળદાસ પમનાની, દીનેશ રામભાઈ પટેલ, શૈલેષભાઈ હરગોવિનભાઈ પટેલ અને તખ્તસિંહજી બળદેવજી ચાવડાને ઝડપી પાડ્યા છે.
દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.1,49,150 રોકડા, ગંજીપાનાના 52 પત્તા તથા નવ મોબાઇલ ફોન, જેની કિંમત રૂ.1,70,000 હોવાનું જણાવાયું છે, મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ રૂ.3,19,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 613/2026 હેઠળ જુગાર ધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.આ સમગ્ર કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar