જામનગરની ભાગોળે કનસુમરા ગામમાં ચા ની હોટેલમાં કામ કરતા બાળમજૂરને મુક્ત કરાવાયો
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કનસુમરા ઔદ્યોગિક વિસ્તારમાંથી વધુ એક 14 વર્ષથી નાની વયના બાળ શ્રમિકને મુક્ત કરાવી હોટલ માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચા
બાળમજૂરી


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગરમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કનસુમરા ઔદ્યોગિક વિસ્તારમાંથી વધુ એક 14 વર્ષથી નાની વયના બાળ શ્રમિકને મુક્ત કરાવી હોટલ માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ચાઈલ્ડ લાઈન 1098 પર મળેલી ચોક્કસ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીની ટીમ દ્વારા કનસુમરા ઔદ્યોગિક વિસ્તારમાં દરોડા અને ચેકિંગની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હરિયા કોલેજ મેઈન રોડ પર આવેલી એક ચાની હોટલમાંથી 13 વર્ષ અને 9 માસની ઉંમરનો સગીર બાળક કામ કરતો મળી આવ્યો હતો.

ટાસ્ક ફોર્સની ટીમે તુરંત બાળકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યો હતો અને જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી મારફતે સુરક્ષિત રીતે ઓબ્ઝર્વેશન હોમ (ચિલ્ડ્રન હોમ) ખાતે સોંપવાની કામગીરી કરી હતી. આ સફળ સંયુક્ત કાર્યવાહીમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, બાળ સુરક્ષા એકમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

પ્રાથમિક ફરિયાદ મુજબ, ચાની હોટલના માલિક લાલજી રવજીભાઈ લામકો દ્વારા 14 વર્ષથી નાની ઉંમરના સગીરને ગેરકાયદેસર રીતે કામે રાખી બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) સુધારા અધિનિયમની વિવિધ જોગવાઈઓનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે તંત્ર દ્વારા હોટલ માલિક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande