જામનગર : રાજયભરનાં 10મી ડિસેમ્બરથી વર્ગ-3નાં મહેસુલી કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓ (તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદાર સહિત) ના સેવા વિષયક પ્રશ્નોની સતત અવહેલના થતાં કર્મચારી મંડળે હવે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ‘વર્ક ટુ રૂલ’ આંદોલન ચલાવી રહે
હડતાળ


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓ (તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદાર સહિત) ના સેવા વિષયક પ્રશ્નોની સતત અવહેલના થતાં કર્મચારી મંડળે હવે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ‘વર્ક ટુ રૂલ’ આંદોલન ચલાવી રહેલા ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા તબક્કાવાર ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.

મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે જણાવ્યું કે, 12મી મે 2026થી 18મી ઓગસ્ટ 2026 દરમિયાન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિને 5 વખત લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકારે કોઈ ધ્યાન ન આપતાં આખરે કર્મચારીઓએ લડતના એંધાણ આપ્યા છે.

કર્મચારીઓએ ખાસ કરીને ‘ફીડબેક સેન્ટર’ સામે મોરચો માંડ્યો છે અને મહેસૂલી તલાટીઓ માટે ફિલ્ડની વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાને લીધા વિના તૈયાર કરાયેલા નવા જોબ ચાર્ટ સામે વિરોધ નોંધાવ્યો છે. આગામી વ્યૂહરચના મુજબ આવતા સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા મથકોએ વર્ગ-3ના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે અને તમામ જિલ્લા કલેક્ટરોને પડતર માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવીને 10 દિવસની મહેતલ આપશે.

જો આ સમયગાળામાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ ‘પેનડાઉન’ કરીને કામગીરીથી અળગા રહેશે અને તેમ છતાં પ્રશ્નો ન ઉકેલાય તો 10મી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. આ આંદોલનને કારણે સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભારે ભીતિ સેવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande