
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ તરફથી મળેલી નોટિસો તેમજ કાયદાની ગૂંચવણભરી અને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી કરતી જોગવાઈઓ અંગે વ્યાપારી મંડળો દ્વારા જીએસટી વિભાગના જોઈન્ટ કમિશનર ચંદન કુમાર સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તેમજ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન (ફેસ-2)ના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ આવેદનપત્ર પાઠવી ઉદ્યોગકારોની પડકારો રજૂ કર્યા હતા.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે જામનગરમાં મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કદના બ્રાસ ઉદ્યોગો કાર્યરત છે. જીએસટીની કેટલીક જોગવાઈઓના અર્થઘટન અને અમલીકરણમાં ઊભી થતી ગૂંચવણોના કારણે ઉદ્યોગકારો પર અનુપાલનનો વધતો બોજ અને નાણાકીય મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ કરદાતાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સરળ બને અને નિયમિત કર ભરતા વેપારીઓને બિનજરૂરી હેરાનગતિ ન થાય તે માટે સ્પષ્ટતા અને સુધારાત્મક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદમંત્રી કૃણાલભાઈ શેઠ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા, સહમંત્રી બીપીનભાઈ સોરઠીયા, જીઆઈડીસી ફેસ-2 એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને માનદમંત્રી જીગ્નેશભાઈ લાવટી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીએસટી કાયદાના નિષ્ણાત એડવોકેટ પંકજભાઈ વાધર, ભરતભાઈ ઓઝા અને નીરવભાઈ વડોદરિયાએ પણ ટેકનિકલ બાબતો અંગે રજૂઆતમાં સાથ આપ્યો હતો.
રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ જોઈન્ટ કમિશનર ચંદન કુમારે યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપી હતી. જેને પગલે જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગને જીએસટી સંબંધિત પ્રશ્નોમાં વ્યવહારુ રાહત અને સ્પષ્ટતા મળશે તેવી આશા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt