
મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજીની મુલાકાત લઈ મા બહુચરના ચરણોમાં શીશ નમાવી મંગલ દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ રાજ્યની વિકાસયાત્રા અવિરત ચાલુ રહે અને ગુજરાત સર્વાંગી પ્રગતિના નવા શિખરો સર કરે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર સહિતના મહાનુભાવોએ પણ મા બહુચરના દર્શન કર્યા હતા.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી અને નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR