
મહેસાણા, 30ઓગસ્ટ (હિ.સ.) ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકા પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી નાગરિકોનો ગુમ થયેલો મોબાઇલ અને સાયબર ફ્રોડની રકમ પરત કરી પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે કુલ રૂ.5,14,697નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી દિનેશસિંહ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાગરિકોના ગુમ અથવા ગેરવલ્લે થયેલા અલગ-અલગ કંપનીના 8 મોબાઇલ ફોન, કુલ કિંમત રૂ.1,33,398, ટેકનિકલ માધ્યમથી શોધી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાગરિકો સાથે થયેલા સાયબર ફ્રોડના રૂ.3,81,299 પણ પરત અપાવવામાં આવ્યા હતા.
આમ મોબાઇલ ફોન અને સાયબર ફ્રોડની રકમ મળી કુલ રૂ.5,14,697નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરી વિસનગર તાલુકા પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.સી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.કો. જયદીપસિંહ ભરતજી, વુ.પો.કો. અવનીબેન પ્રકાશભાઈ તથા આઈ.ટી. એક્સપર્ટ અલ્કેશજી વિજયજી ઠાકોર સહિતની ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR