
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી દરમિયાન શેખપુર (વડ) ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપાયો છે. પોલીસે તીનપત્તીનો જુગાર રમતા 5 ઇસમોને ઝડપી તેમની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીની સૂચના તેમજ ખેરાલુ વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી જે.ડી. કંસારાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઓ.પી. સિસોદીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી કે શેખપુર (વડ) ગામના મોટા પટેલવાસ ખાતે જી.ઈ.બી.ના થાંભલાની સ્ટ્રીટ લાઇટ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે 5 આરોપીઓને ઝડપી તેમની અંગઝડતીમાંથી રૂ.10,400 રોકડા અને ગંજીપાનાના પત્તા નંગ-52 કબજે કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.પી. સિસોદીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. વિજયકુમાર મહેશભાઈ સહિત પોલીસ ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR