સ્વાઇન ફલુના દર્દીઓ માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરવા તૈયારી
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : દિલ્હી અને મુંબઈમાં સ્વાઈન ફ્લૂના કેસો સામે આવ્યા બાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. સંભવિત એચ-1 એન-1 (સ્વાઈન ફ્લૂ)ના ખતરાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ દ્વાર
જી.જી.હોસ્પિટલ


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : દિલ્હી અને મુંબઈમાં સ્વાઈન ફ્લૂના કેસો સામે આવ્યા બાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. સંભવિત એચ-1 એન-1 (સ્વાઈન ફ્લૂ)ના ખતરાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ દ્વારા મેડિસિન અને પિડિયાટ્રિક સહિત તમામ વિભાગોના વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.

આ મીટિંગમાં રોગચાળાને ફેલાતો અટકાવવા અને દર્દીઓની સારવાર માટે જરૂરી તકેદારીના તમામ પગલાં અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.જી.જી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સારવાર માટે ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં પૂરતા પ્રમાણમાં બેડ અને અન્ય આવશ્યક તબીબી સુવિધાઓ ઊભી કરાઈ રહી છે.

આ ઉપરાંત, હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓની સુરક્ષા માટે એન-95 માસ્ક તેમજ સ્વાઈન ફ્લૂ માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો છે. તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ તંત્ર કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande