
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : રાજકોટ રેન્જ પોલીસની ટીમે જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાદનપર ગામે મોટી કાર્યવાહી કરીને જુગાર રમતા ૯ ઇસમોને ઝડપી પાડ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં પ્રોહીબીશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવી હતી.
જે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે બાદનપર ગામની કોબાની સીમમાં આવેલ વાડી માલિક રમેશભાઇ જેરામભાઇ ઘોડાસરાની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં તીનપત્તીનો નસીબ આધારિત ગેરકાયદેસર જુગાર રમી રહેલા રમેશભાઈ ઘોડાસરા, પ્રવીણભાઈ સંતોકી, રમેશભાઈ ગોવિંદભાઈ સંતોકી, અજયભાઈ રાણીયા, બ્રીજેશભાઈ ભીમાણી, જેન્તીભાઈ સંતોકી, જીતેન્દ્રભાઈ સંતોકી, રાકેશભાઈ સંતોકી અને રાજભાઈ ભીમાણી (તમામ રહે. બાદનપર, તા. જોડીયા) ને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧,૫૨,૩૦૦, ૯ નંગ મોબાઈલ ફોન અને ૫ મોટરસાયકલ મળીને કુલ રૂ.૫,૦૨,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે તમામ ૯ આરોપીઓની ધોરણસર અટકાયત કરી તેમની વિરુદ્ધ જોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt