
બોટાદ, 30 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાના ઉમદા હેતુથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતના મેદાન પર દિવ્યાંગ ખેલાડીઓનો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. ખેલાડીઓએ ક્રિકેટ, વોલીબોલ સહિતની વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
રમતોત્સવ દરમિયાન ખેલાડીઓએ જીત-હારની ચિંતા કર્યા વિના ખેલદિલીપૂર્વક રમતમાં ભાગ લીધો હતો. મેદાન પર એકબીજાને પ્રોત્સાહિત કરતા ખેલાડીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ક્રિકેટ અને વોલીબોલની રમતો દરમિયાન ખેલાડીઓના જુસ્સાએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમતના માધ્યમથી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા, તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા અને આત્મવિશ્વાસ વધારવાનો રહ્યો હતો. રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ માનસિક મજબૂતી, ટીમવર્ક, શિસ્ત અને નેતૃત્વના ગુણોના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને રમતપ્રેમીઓએ દિવ્યાંગ ખેલાડીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો. ખેલાડીઓએ પણ રમતગમતમાં સતત આગળ વધવાની અને પોતાની પ્રતિભાને વધુ નિખારવાની ભાવના વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA