જામનગરની ભાગોળે છ કરોડના ખર્ચે મનપા દ્વારા શ્વાન રસીકરણ-ખસીકરણ સેન્ટરનું કામ પૂર્ણતાના આરે
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં 126 ચોરસ કિલોમીટરના વિસ્તાર અને 16 વોર્ડમાં છેલ્લા દશકામાં શ્વાનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. રહેઠાણ, ખોરાકની અછત અને વધતા જતાં ટ્રાફિકના કારણે શ્વાનો ત્રસ્ત બનતા માનવ-શ્વાન સંઘર્ષ સતત વધી રહ્યો છે, જે
કોર્પોરેશન


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર શહેરમાં 126 ચોરસ કિલોમીટરના વિસ્તાર અને 16 વોર્ડમાં છેલ્લા દશકામાં શ્વાનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. રહેઠાણ, ખોરાકની અછત અને વધતા જતાં ટ્રાફિકના કારણે શ્વાનો ત્રસ્ત બનતા માનવ-શ્વાન સંઘર્ષ સતત વધી રહ્યો છે, જેના પરિણામે ડોગ બાઈટના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી ઈન્જેક્શન લેવા આવતા દર્દીઓમાં 80 ટકાથી વધુ લોકો શહેરી વિસ્તારના હોય છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ છે, પરંતુ શ્વાનોના ત્રાસને નાથવાની પ્રવૃત્તિ હાલ ધીમી ગતિએ ચાલી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા આગામી બે-ત્રણ માસમાં કામગીરી વેગવંતી બનાવવાનું આયોજન કરાયું છે. રાજ્ય સરકારની શહેરી વિકાસ ગ્રાન્ટમાંથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ખંભાળીયા રોડ પર રૂ. 6 કરોડથી વધુના ખર્ચે 14 હજાર ચોરસ મીટરમાં શ્વાન ખસીકરણ અને રસીકરણ સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનું કામ હાલ અંતિમ તબક્કામાં છે.

આ સેન્ટરમાં 350 શ્વાનોને રાખી શકાય તેવા પાંજરા, એકસાથે 5 ઓપરેશન થઈ શકે તેવું આધુનિક ઓપરેશન થિયેટર, એક્સ-રે રૂમ અને ડોક્ટર્સ માટે 2 ક્વાર્ટર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખસીકરણ અને રસીકરણ ઓપરેશન બાદ શ્વાનોને સંપૂર્ણ રૂઝ આવે ત્યાં સુધી અલગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ કામગીરી માટે એજન્સીની પસંદગી થઈ ચૂકી છે અને સેન્ટર શરૂ થતાં જ પ્રતિદિન 50 જેટલા શ્વાનોનું નસબંધી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી વર્ષો સુધી સતત ચાલનારા આ પ્રોજેક્ટના પરિણામે ભવિષ્યમાં શહેરમાં શ્વાનોના વસ્તી દરમાં ચોક્કસ ઘટાડો જોવા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande