સુત્રાપાડા પંથકમાં શંકાસ્પદ લાકડાંની હેરાફેરી ઝડપાઈ: વન વિભાગે અશોક લેલન અને લાકડાંનો જથ્થો સિઝ કર્યો
ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં રાત્રિના સમયે શંકાસ્પદ રીતે લાકડાંની હેરાફેરી થતી હોવાનો ફરીવાર મામલો સામે આવ્યો છે. સુત્રાપાડા-કોડીનાર રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી વન વિભાગની ટીમે સીંગચર પાટિયા નજદીક લાકડાંનો જથ્થ
સુત્રાપાડા પંથકમાં શંકાસ્પદ લાકડાંની હેરાફેરી


ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં રાત્રિના સમયે શંકાસ્પદ રીતે લાકડાંની હેરાફેરી થતી હોવાનો ફરીવાર મામલો સામે આવ્યો છે. સુત્રાપાડા-કોડીનાર રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી વન વિભાગની ટીમે સીંગચર પાટિયા નજદીક લાકડાંનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી એક અશોક લેલન વાનને અટકાવી તપાસ કરતાં તેમાં મોટા પ્રમાણમાં લાકડાં ભરેલા હોવાનું જણાયું હતું. જરૂરી દસ્તાવેજો અને આધાર-પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતા વન વિભાગે અશોક લેલન વાન સાથે લાકડાંનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે સુત્રાપાડા-કોડીનાર રોડ પર વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોડીનાર તરફથી વેરાવળ જીઆઈડીસી તરફ જઈ રહેલી અશોક લેલન વાન નંબર GJ-32-T-7953 શંકાસ્પદ હાલતમાં પસાર થતાં વન વિભાગની ટીમે વાહનને અટકાવી તપાસ કરી હતી.

તપાસ દરમિયાન વાનમાં મોટા પ્રમાણમાં લાકડાંનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ વાહનચાલાકની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે આ લાકડાં કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભરીને પ્રભાસપાટણ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

લાકડાંના સ્ત્રોત અને કાયદેસર કાપણી અંગે તપાસ

વન વિભાગે વાહનચાલક પાસે લાકડાં કયા સ્થળેથી લાવવામાં આવ્યા હતા, તેની કાપણી કાયદેસર રીતે કરવામાં આવી હતી કે કેમ તેમજ લાકડાંના પરિવહન માટે જરૂરી પરવાનગી, પાસ અને અન્ય આધાર-પુરાવા અંગે પૂછપરછ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતાં વન વિભાગે સમગ્ર જથ્થાને શંકાસ્પદ ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુત્રાપાડા રાઉન્ડ ફોરેસ્ટર એન. એન. છેલાણા દ્વારા શંકાસ્પદ લાકડાંના જથ્થા સાથે અશોક લેલન વાનને સિઝ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વન વિભાગે વાહનચાલક ઉપરાંત વાહનના માલિકને પણ બોલાવી આ મામલે પૂછપરછ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.

કોડીનારથી વેરાવળ જીઆઈડીસી સુધીની કડી અંગે તપાસ

હવે વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા લાકડાંનો ચોક્કસ સ્ત્રોત શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ લાકડાં કોડીનાર તાલુકાના કયા વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા, વૃક્ષોની કાપણી માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તેમજ લાકડાંનું પરિવહન કાયદેસર રીતે થઈ રહ્યું હતું કે કેમ તે મુદ્દે તપાસ ચાલી રહી છે.

સાથે જ લાકડાંની હેરાફેરી પાછળ કોઈ ચોક્કસ વ્યક્તિઓ કે જૂથ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન લાકડાંની કાપણી, સંગ્રહ, ખરીદી-વેચાણ અને પરિવહનની સમગ્ર પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી શકે છે.

વેરાવળ GIDCમાં લાકડાંના ઉપયોગની ચર્ચા વચ્ચે મામલો મહત્વપૂર્ણ

બીજી તરફ, વેરાવળ GIDC વિસ્તારમાં કાર્યરત કેટલાક બોઈલર પ્લાન્ટો અને ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં લાકડાંના ઉપયોગ અંગે ચર્ચાઓ ચાલી રહી હોવાની વિગતો સામે આવતી રહે છે. આવી સ્થિતિમાં સુત્રાપાડા પંથકમાંથી શંકાસ્પદ લાકડાંનો જથ્થો ઝડપાવાનો મામલો મહત્વપૂર્ણ બની ગયો છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કોડીનારથી વેરાવળ GIDC સુધી લાકડાંના પુરવઠાની કડી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગેરકાયદે લાકડાંની કાપણી, હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલી સંભવિત કડીઓ સામે આવી શકે છે. જોકે, આ અંગેની વન વિભાગની સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની જરૂરિયાત

સમયાંતરે વિસ્તારમાં ગેરકાયદે લાકડાંની કાપણી અને તેના પરિવહન અંગે ફરિયાદો અને ચર્ચાઓ સામે આવતી રહી છે. ત્યારે માત્ર વાહન અને જથ્થો જપ્ત કરવા ઉપરાંત લાકડાં ક્યાંથી કાપવામાં આવ્યા, કોના દ્વારા ખરીદવામાં આવ્યા અને તેનો અંતિમ ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે.

હાલ વન વિભાગે અશોક લેલન વાન અને તેમાં ભરેલો લાકડાંનો જથ્થો કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલા લાકડાંનો ચોક્કસ સ્ત્રોત શું છે, તેની કાપણી કાયદેસર રીતે કરવામાં આવી હતી કે નહીં અને આ હેરાફેરી પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે અંગેની વાસ્તવિક હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande