
મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના ત્રીજા રવિવારે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર ‘વડનગર શ્રાવણોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ, સંગીત અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમમાં સ્થાનિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગણેશ વંદનાના નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. ત્યારબાદ વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ તથા શહેરના ઐતિહાસિક મહત્વને રજૂ કરવામાં આવ્યું હતું. શિવ સ્તુતિ અને શિવ તાંડવની રજૂઆતથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શાસ્ત્રીય સંગીતના સૂરોએ પણ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન-નૃત્ય ઉપરાંત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળાના હુડા રાસની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. શિવ ભજનો અને ગીતોથી શ્રદ્ધાળુઓ ભક્તિમય બન્યા હતા.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં 11 બ્રાહ્મણો અને 14 કલાકારોના શંખનાદ તથા ઘંટનાદથી શર્મિષ્ઠા તળાવનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ 10 બ્રાહ્મણો અને 6 કન્યાઓ દ્વારા હજારો દીવડાઓની રોશની વચ્ચે શિવ આરતી કરવામાં આવી હતી. અંતે લાઈટ એન્ડ લેસર શો યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ સહિત સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR