
આણંદ/અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપૂર ગામે 30 ઓગસ્ટના રોજ ખડઉ સીમ વિસ્તારમાં આવેલી કાગળની હોડીઓ તરાવતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ,3 સગી બહેનના તળાવમાં ડૂબી જવાથી મોત
ખંભાત તાલુકાના શકરપૂર ગામે તલાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારની 3 માસૂમ સગી બહેનોના કરુણ મોત નીપજ્યા છે. શૌચક્રિયા અર્થે ગયેલી બાળકીઓ તળાવ કિનારે કાગળની હોડીઓ તરાવતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.
શકરપૂરના મોસમ ફળીયામાં રહેતા અને ખેતમજૂરી કરતા અશ્વિન બારૈયાની 3 દીકરીઓ 13 વર્ષીય પ્રિયા, 11 વર્ષીય ઈશા અને 8 વર્ષની રીના સાંજના સમયે તલાવડી તરફ ગઈ હતી. મોડે સુધી ત્રણેય બહેનો પરત ન ફરતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આશરે 2 કલાકની શોધખોળ બાદ તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી હતી.
કાગળની હોડીઓ દેખાતાં સ્થાનિક તરવૈયાએ તળાવના પાણીમાં ઉતરીને તપાસ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેય માસૂમ બહેનોને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.
ખંભાત તાલુકાના શકરપૂર ગામે તળાવમાં ડૂબી ગયેલી ત્રણ માસૂમ બહેનોને બહાર કાઢનારા સ્થાનિક તરવૈયા ચિરાગના જણાવ્યા અનુસાર, બાળકીઓના પિતાનો ફોન આવતાં જ તેઓ તાત્કાલિક ટ્રેક્ટર લઈને બળિયાદેવ થઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સાંજે આશરે 6:00 વાગ્યાના સુમારે તેમણે તળાવના ઊંડા પાણીમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. ચિરાગે એક પછી એક ત્રણેય બહાર કાઢી હતી. જોકે, પાણીમાંથી બહાર કઢાઈ ત્યારે ત્રણેય બાળકીઓ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમના મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રમવાની નાની ઉંમરે અને પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેવાથી વારાફરતી ત્રણેય દીકરીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાનું અનુમાન છે. હસતો-રમતો પરિવાર ક્ષણભરમાં ઉજ્જડ થઈ જતાં માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. એકસાથે 3 દીકરીઓની સ્મશાનયાત્રા નીકળતાં શકરપૂર ગામમાં શોક છવાયો હતો અને કોઈના ઘરે ચૂલો પણ સળગ્યો ન હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ