
- વડોદરા પોક્સો કોર્ટનો ચુકાદો
વડોદરા,31 ઓગસ્ટ (હિ.સ.) આજે 31મી ઓગસ્ટના રોજ વડોદરાનાં ભાયલી ગેંગરેપ કેસમાં સજાનું એલાન કરી દેવામાં આવ્યું છે. વડોદરા પોક્સો કોર્ટે પાંચેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટની સજા પ્રમાણે, જીવનનાં અંતિમ શ્વાસ સુધી આરોપીઓ જેલમાં બંધ રહેશે. તમામ પાંચ આરોપીઓને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસનને કોર્ટે સજા સંભળાવી છે.
22 મહિના બાદ સગીર પીડિતાને ન્યાય મળ્યો છે. પોક્સો કોર્ટના જજ સી.એમ.પવારે પોતાના ચુકાદામાં ઘટનાને અત્યંત દુઃખદ અને ગંભીર ગણાવી છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, માં અંબાના આરાધનાના પર્વ દરમિયાન બનેલી ઘટના સાંખી લેવાઈ નહીં. સ્ત્રી સમાજના ઘડતર માટે મહત્વની ભૂમિકા ભજવે છે.નવરાત્રી શક્તિનો તહેવાર છે. નવરાત્રિમાં સામુહિક દુષ્કર્મના ગુનાને હળવાશથી ન લેવાય. ગુજરાતમાં બેટી બચાવોનું અભિયાન ચાલે છે. જેથી આવા આરોપીઓને છોડાય નહીં. પાંચેય આરોપીઓને આજીવન કેદની (અંતિમ શ્વાસ ) સુધીની સજા ફટકારવામાં આવી છે. તમામ પાંચ આરોપીઓને 50 - 50 હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે પીડિતાને 10 લાખની સહાય કરવાનો આદેશ આપ્યો છે.
વડોદરાના પોક્સો કોર્ટે સજાનું એલાન કર્યું. 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે જ પાંચ શખસોએ ત્યાં આવી સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું'તું. કોર્ટે સજાનું એલાન કર્યા બાદ પીડિતાને રૂ. 10 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો. મહત્વનું છે કે, વડોદરામાં પ્રથમવાર એકસાથે પાંચ આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી.
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું કે,આ ગુનામાં આરોપીઓને કેટલી સજા કરવી તે અંગે આજે નામદાર કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. કાયદાના પ્રોવિઝન મુજબ અને ગુનાની કલમો હેઠળ જે મહત્તમ સજાની જોગવાઈ છે, એટલે કે આરોપીઓને તેમના છેલ્લા શ્વાસ સુધીની સજા થાય.જો કોર્ટને આ કેસમાં ફાંસીની સજા યોગ્ય ન લાગે તો તેવા સંજોગોમાં આરોપીઓને આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધીની મહત્તમ સજા) આપવામાં આવે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સાંયોગિક પુરાવાની દરેકે દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પૂરવાર કરવામાં આવી હતી. આ ગુનાની શરૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરી અને ત્યારબાદ બાકીના ત્રણ જણાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ સમયે ભોગ બનનારનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે લૂંટનો દાવો પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના હેતુથી મોબાઈલને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. આ મોબાઈલને શોધવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને તેમની જુબાનીઓ તથા મેડિકલ પુરાવા પણ કોર્ટે માન્ય રાખ્યા છે. સંયોગિક પુરાવાના કેસમાં સંજોગોની તમામ કડીઓ યોગ્ય રીતે જોડાવી જરૂરી હોય છે, જે પુરાવા પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળીને કોર્ટ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ પુરાવાઓને સંતોષજનક ગણાવ્યા છે અને તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે.ઘટનાના માત્ર 17 દિવસ બાદ પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટમાં લગભગ 100 સાક્ષીઓના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ તથા CCTV સહિતના પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાસ સરકારી વકીલોની નિમણૂક કરી હતી.
તપાસ દરમિયાન સગીરાનો મોબાઇલ ફોન પણ મહત્વની કડી બન્યો હતો. આરોપીઓમાંથી એક આરોપીએ સગીરાનો ફોન લઈ લીધો હતો. પોલીસ તપાસમાં ફોન શોધવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આરોપીએ ફોન નદીમાં ફેંકી દીધો હતો. ફોન ન મળ્યો હોવા છતાં પોલીસે અન્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી હતી. એટલે આ કેસ માત્ર નિવેદનો પર આધારિત ન રહે, પરંતુ શક્ય તેટલા વૈજ્ઞાનિક પુરાવાઓથી મજબૂત બનાવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ