
મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસના ત્રીજા સોમવારે વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય ‘મૃત્યુંજય સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન 1થી ઝોન 4ના 108 જેટલા પ્રતિભાશાળી ઋષિકુમારો વચ્ચે સેમિફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા અગાઉ ઋષિકુમારોના મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું.
વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત 17 ઓગસ્ટથી શરૂ થયેલી આ સ્પર્ધામાં રાજ્યભરની માન્ય સંસ્કૃત પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોના ઋષિકુમારોએ ભાગ લીધો હતો. મંત્રોચ્ચાર સમયે નાણામંત્રી કનુ દેસાઈ, રાજ્ય મંત્રી પી.સી. બરંડા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ વિશેષ ઉપસ્થિત રહી ઋષિકુમારોનો ઉત્સાહ વધાર્યો હતો.
કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા પ્રત્યે રસ કેળવવાનો છે. સ્પર્ધામાં શુક્લ યજુર્વેદ સસ્વર રુદ્રાષ્ટાધ્યાયી પંચમ અધ્યાય એટલે કે રુદ્રસૂક્ત તેમજ શિવ મહિમ્ન સ્તોત્ર કંઠપાઠની સ્પર્ધા યોજાઈ હતી.
ઋષિકુમારોના વેદપાઠ અને મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ કાર્યક્રમમાં નાયબ નિયામક કિશન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદી સહિત સંસ્કૃત મહાવિદ્યાલયોના મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR