
સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.) શહેરના ઘોડદોડ રોડ નજીક આવેલા રામચોક ખાતે સરદાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ આગમન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને યુવાનો ઉમટી પડ્યા હતા. ગણેશજીની ભવ્ય આગમન યાત્રાને લઈને સ્થળ પર અપેક્ષા કરતાં પણ વધુ ભીડ એકઠી થતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ યાત્રા દરમિયાન બોલિવૂડ અભિનેતા સંજય દત્તને વીડિયો કોલ મારફતે જોડવામાં આવ્યા હતા. સંજય દત્ત સ્ક્રીન પર આવતા જ તેમને જોવા માટે પ્રતિમા નજીક લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
યાત્રાના દૃશ્યો અને સંજય દત્ત સાથેનો વીડિયો કોલ કેદ કરવા માટે કેટલાક વીડિયોગ્રાફરો ઊંચા ટેબલ પર ઊભા રહીને વીડિયો બનાવી રહ્યા હતા. દરમિયાન અચાનક ઊંચું ટેબલ તૂટી પડ્યું હતું. ટેબલ પર ઊભેલા લોકો નીચે પટકાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ટેબલ તૂટ્યા બાદ કેટલાક લોકો નીચે પડી ગયા હતા અને કેટલાકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ભારે ભીડના કારણે લોકોને એકબીજાની નીચે કચડાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.ગણેશ આગમન યાત્રામાં ભીડ એટલી વધી ગઈ હતી કે રસ્તા પર પણ પગ મૂકવાની જગ્યા ન રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી. યાત્રા દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ અને આયોજકો માટે પણ ભીડને નિયંત્રિત કરવી પડકારરૂપ બની હતી.
ગણેશ આગમન યાત્રા દરમિયાન માત્ર 8 દિવસમાં બીજી વખત અફરાતફરીની ઘટના સામે આવતા પોલીસ અને આયોજકોની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. અગાઉની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે પણ ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત સામે આવી છે.
જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે