
સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.)
પવિત્ર શ્રાવણ માસની માસિક શિવરાત્રિના પરમ મંગલકારી અવસરે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભવ્યાતિભવ્ય 'મહારુદ્ર શૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો.
દેવાધિદેવ મહાદેવનું ‘મહારુદ્ર’ સ્વરૂપ એ પરમ ચેતના, અનંત ઊર્જા અને પરમ કલ્યાણનું પ્રતીક છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મહારુદ્ર સ્વરૂપ સૃષ્ટિના પુનઃસર્જન માટે અસત્ય, અજ્ઞાન અને નકારાત્મકતાના સંહારનું પ્રતિનિધિત્વ કરે છે. લય અને પુનર્જીવનના આ ચક્રમાં સમગ્ર સૃષ્ટિ નશ્વર હોવા છતાં એકમાત્ર શિવ જ શાશ્વત, અવિચળ અને સત્ય તત્વ તરીકે બિરાજમાન રહે છે.
ભગવાન શિવનું આ તેજોમય સ્વરૂપ ભક્તોના હૃદયમાં પરમ શ્રદ્ધા અને સમર્પણ ભાવ જાગૃત કરે છે, જ્યારે અધર્મી તત્વો માટે તે પ્રચંડ દંડનાયક સમાન છે.
મહારુદ્રની આરાધના મોહ-માયાના બંધનો તોડી આત્મસાક્ષાત્કાર અને મોક્ષ પ્રાપ્તિ તરફ દોરી જાય છે. શિવરાત્રિના પુણ્ય દિને સોમનાથ જ્યોતિર્લિંગના મહારુદ્ર શૃંગારનાં દર્શન કરી હજારો ભાવિકોએ આધ્યાત્મિક શાંતિ, ઊર્જા અને અંતઃકરણની પવિત્રતાનો અનુભવ કર્યો હતો.
આ દિવ્ય શૃંગારમાં પવિત્ર રુદ્રાક્ષની માળાઓ, સુગંધિત શ્વેત-રક્ત પુષ્પો, ત્રિપુંડ ચંદન તેમજ પૂજન સામગ્રીનો ઉપયોગ કરી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને અત્યંત મનોહારી અને ભક્તિમય રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ